Gandhinagar News: મીઠાઈ-ફરસાણની દુકાનો પર મનપાની તવાઈ, 41 પેઢીઓમાં કરાઈ તપાસ

Gandhinagar News: ગાંધીનગરમાં તહેવારોની સિઝન દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી.
Kunjan Shukla
Gandhinagar NewsGandhinagar News

Gandhinagar News

Gandhinagar News: ગાંધીનગરમાં તહેવારોની સિઝન દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નવરાત્રિથી દિવાળી સુધી ચાલેલી આ ઝુંબેશ અંતર્ગત શહેરની 41 પેઢીઓની તપાસ કરી ખાદ્યચીજોના કુલ 62 નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી માટે પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે.

રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી

તપાસ દરમિયાન મીઠાઈ, ફરસાણ, ઘી અને ખાદ્યતેલ સહિતની ચીજોના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતી 6 પેઢીઓને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે એક પેઢીમાં અત્યંત બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતાં તેનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા દુકાનો અને ખાદ્યચીજોના ઉત્પાદન-વેચાણ સ્થળોએ સ્વચ્છતા, ખાદ્યસામગ્રીની ગુણવત્તા તથા નિયમોના પાલન અંગે તપાસ કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણની માગ વધતી હોવાથી નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યચીજો મળી રહે તે હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

170 જેટલા સ્ટોલ્સ અને પેઢીઓની મુલાકાત લેવામાં આવી

આ ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા પણ શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આ વાનની મદદથી આશરે 170 જેટલા સ્ટોલ્સ અને પેઢીઓની મુલાકાત લેવામાં આવી હતી. અહીં 191 જેટલી ખાદ્યચીજોનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મનપાની આ ઝુંબેશથી ખાદ્યચીજોના વેપારીઓમાં પણ નિયમોનું પાલન કરવા અંગે સાવચેતી જોવા મળી રહી છે. તહેવારો દરમિયાન ખાદ્યસામગ્રીની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોના આરોગ્યને નુકસાન ન પહોંચે તે માટે ફૂડ સેફ્ટી શાખા દ્વારા તપાસ અને કાર્યવાહી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 8,169 વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા