Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 8,169 વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા

Gandhinagar News: ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને નવા શિક્ષકોની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અડાલજ ખાતે ત્રિમંદિરના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં નવ નિયુક્ત વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા.
Kunjan Shukla
Gandhinagar NewsGandhinagar News

Gandhinagar News

Gandhinagar News: ગાંધીનગરમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને નવા શિક્ષકોની ભેટ મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અડાલજ ખાતે ત્રિમંદિરના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં નવ નિયુક્ત વિદ્યા સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યા સહાયકોનું અભિવાદન કરવામાં આવ્યું

કાર્યક્રમ દરમિયાન ધોરણ 1થી 5 માટે પસંદગી પામેલા વિદ્યા સહાયકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 8,169 નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતી માધ્યમના 7,954 અને અન્ય માધ્યમના 1,202 વિદ્યા સહાયકોની પસંદગી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025માં 5,000 અને વર્ષ 2026માં 6,000 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

CMએ આપી શુભેચ્છાઓ

કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ નિયુક્ત વિદ્યા સહાયકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, નાના ભૂલકાઓના પાયાના શિક્ષણની જવાબદારી હવે તેમના શિરે છે. આજથી તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમૃતકાળના પ્રહરી બની ગયા છે. મુખ્યમંત્રીએ નારી શક્તિના વધતા પ્રભાવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પસંદગી પામેલા આશરે 8,000 ઉમેદવારોમાંથી 6,000 મહિલાઓ છે. તેમણે ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પણ ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, જેણે મહેનત કરી હતી તેનો નંબર લાગ્યો છે અને તેમાં કોઈ લાગવગ ચાલી નથી.

વધુમાં તેમણે શિક્ષકોને સલાહ આપી હતી કે આગળ વધવાની સાથે એવી પદ્ધતિ અપનાવવી જોઈએ, જેને અન્ય લોકો પણ અનુસરી શકે. વર્ગખંડમાં શિક્ષકોનું વર્તન સારું હોવું જોઈએ, કારણ કે શિક્ષકોનું વર્તન જ સરકારની છબી પ્રતિબિંબિત કરે છે. આ નિમણૂકથી રાજ્યની પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Vadodara News: ભાજપના કોર્પોરેટર મયુર ચોરાટિયાની દાદાગીરી? પાણી પુરવઠા અધિકારી સાથે કરી મારામારી