Gandhidham Cyber Fraud: રૂપિયા 8.46 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 13 આરોપીઓની અલગ-અલગ રાજ્યોમાંથી કરાઈ ધરપકડ


Gandhidham Cyber Fraud
Gandhidham Cyber Fraud: રૂપિયા 8.46 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 13 આરોપીઓની અલગ-અલગ રાજ્યોમાંથી કરાઈ ધરપકડ


Gandhidham Cyber Fraud
Gandhidham Cyber Fraud: પૂર્વ કચ્છ જિલ્લા પોલીસે કરોડો રૂપિયાની ઓનલાઈન સાયબર છેતરપિંડીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂપિયા 8.46 કરોડની છેતરપિંડીના ગુનામાં દેશનાં અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ યશ બેન્ક અને સીસીઓડી બેન્કના ખાતામાંથી OTP કે અન્ય ઓથોરાઇઝેશન વગર નેટબેન્કિંગનો એક્સેસ મેળવીને 211 અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા 8,46,07,849ની છેતરપિંડી આચરી હતી.
આ મામલે 5 નવેમ્બર, 2026ના રોજ ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બેન્ક એકાઉન્ટ ટ્રેસિંગ દરમિયાન આરોપીઓ બોગસ કંપનીઓ અને ભાડે મેળવેલા બેન્ક ખાતાનો ઉપયોગ કરીને છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરતા હોવાનું સામે આવ્યું હતું.
વિવિધ રાજ્યોમાં 10 અલગ-અલગ પોલીસ ટીમો મોકલવામાં આવી
આરોપીઓને ઝડપી પાડવા અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ અને સાયબર એક્સલન્સ ગાંધીનગરની મદદથી દેશના વિવિધ રાજ્યોમાં 10 અલગ-અલગ પોલીસ ટીમો મોકલવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન રાજસ્થાન, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ગુજરાતમાંથી 13 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. પકડાયેલા આરોપીઓ પૈકી ચાર આરોપીઓ અગાઉ પણ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં સાયબર ગુનાઓ સહિતના અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
14 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા
આ તપાસ દરમિયાન પોલીસે છેતરપિંડીની કુલ રકમમાંથી રૂપિયા 3,82,73,987ની રકમ વિવિધ બેંક ખાતાંમાં હોલ્ડ અથવા ફ્રીઝ કરાવવામાં સફળતા મેળવી છે. ઉપરાંત આરોપીઓ પાસેથી રૂપિયા 70,000ની કિંમતના 14 મોબાઈલ ફોન, રૂપિયા 40,000ના બે લેપટોપ અને રૂપિયા 3,000ની કિંમતનું CPU હાર્ડડિસ્ક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીથી કરોડો રૂપિયાના મલ્ટી-સ્ટેટ સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો: AMC Sports Training: મ્યુનિસિપલ સ્કૂલના 5 હજાર બાળકોને અપાશે ફ્રી સ્પોર્ટ્સ ટ્રેનિંગ




