Kutch SMC Raid: માધાપરમાં SMCનો મોટો દરોડો, રૂપિયા 32.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4 આરોપીઓની ધરપકડ

Kutch SMC Raid: કચ્છ જિલ્લાના માધાપરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Kutch SMC RaidKutch SMC Raid

Kutch SMC Raid

Kutch SMC Raid: કચ્છ જિલ્લાના માધાપરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. SMCની ટીમે એક બંધ કમ્પાઉન્ડમાં દરોડો પાડીને વિદેશી દારૂ અને બીયરની કુલ 311 પેટી સાથે 8,343 બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂ સહિત કુલ રૂપિયા 74.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

કુલ 8,343 બોટલ ઝડપાઈ

મળતી માહિતી મુજબ, માધાપર વિસ્તારમાં આવેલા એક બંધ કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂ અને બીયરની 311 પેટી મળી આવી હતી. જેમાં કુલ 8,343 બોટલોનો સમાવેશ થાય છે. જપ્ત કરવામાં આવેલા દારૂની કિંમત અંદાજે રૂપિયા 32.63 લાખ હોવાનું જાણવા મળ્યું છે.

16 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા

આ ઉપરાંત, દારૂના ગેરકાયદે નેટવર્ક સાથે સંકળાયેલા ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે આ સમગ્ર કૌભાંડમાં સંડોવણી હોવાની આશંકા સાથે અન્ય 16 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMCએ દરોડા દરમિયાન દારૂના જથ્થા ઉપરાંત સાત વાહનો અને નવ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. આમ, દારૂ સહિત તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 74.13 લાખ થવા જાય છે.

પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો ચંદીગઢથી લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ દારૂ કચ્છમાં કોના મારફતે પહોંચાડવામાં આવતો હતો અને તેની પાછળ કેટલું મોટું નેટવર્ક કાર્યરત હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar News: SMVS હોસ્પિટલમાં મહિલા કર્મચારીની બેગમાંથી નીકળ્યો ઝેરી કાળોતરો સાપ, પ્રદીપ સોલંકીએ સાવચેતીપૂર્વક કર્યું રેસ્ક્યૂ