Kutch News: આડેસર નજીક મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમસંબંધમાં શંકા બન્યું મોતનું કારણ


Kutch News
Kutch News: આડેસર નજીક મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, પ્રેમસંબંધમાં શંકા બન્યું મોતનું કારણ


Kutch News
Kutch News: કચ્છના આડેસર નજીક નેશનલ હાઈવે પર મળી આવેલી અજાણી મહિલાની લાશના ચકચારી હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. મહિલાની હત્યા કર્યા બાદ લાશને રસ્તાની બાજુમાં ફેંકી હત્યાને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશના બટેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો છે. પ્રેમસંબંધમાં શંકા રાખીને આરોપીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી
મળતી માહિતી મુજબ, 8 સપ્ટેમ્બર 2026ની મધરાતે આડેસર નજીક નેશનલ હાઈવે-27 પર એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે, મહિલાના મોતનું સાચું કારણ જાણવા જામનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાના ગળા પર દબાણનાં નિશાન મળી આવ્યા હતા અને ગળું દબાવવાથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે હત્યાની દિશામાં તપાસ તેજ કરી હતી.
આરોપી પૂજાદેવીને ગુજરાત ફરવા લઈ જવાના બહાને ટ્રકમાં સાથે લાવ્યો હતો
પોલીસે વિવિધ રાજ્યોમાં મહિલાના ફોટોગ્રાફ્સ મોકલી ઓળખ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મૃતકની ઓળખ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના શિકોહાબાદ તાલુકાની પૂજાદેવી તરીકે થઈ હતી. તપાસમાં મૃતકના જ ગામમાં રહેતા પ્રવીણ ઉર્ફે મંગો ગીરીશચંદ્ર યાદવનું નામ સામે આવ્યું હતું. આરોપી પૂજાદેવીને ગુજરાત ફરવા લઈ જવાના બહાને ટ્રકમાં સાથે લાવ્યો હતો. આડેસર બ્રિજ પાર કર્યા બાદ એકલધાર નજીક ટ્રક ઊભો રાખી આગળની સીટ પર સૂઈ રહેલી પૂજાદેવીનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ લાશને રસ્તાની બાજુમાં ફેંકી આરોપી ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસ મુજબ, બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને પૂજાદેવી અન્ય કોઈના સંપર્કમાં હોવાની શંકાને કારણે આરોપીએ આ હત્યા કરી હતી. આડેસર પોલીસે 28 ઓક્ટોબરે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ પહોંચેલી પોલીસ ટીમે વેશપલટો કરીને બટેશ્વરના મેળામાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને આડેસર પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Amreli Leopard Attack: અમરેલીમાં દીપડાનો આતંક, 8 વર્ષના બાળક પર કર્યો જીવલેણ હુમલો




