Amreli Leopard Attack: અમરેલીમાં દીપડાનો આતંક, 8 વર્ષના બાળક પર કર્યો જીવલેણ હુમલો

Amreli Leopard Attack: અમરેલીના સણોસરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ આઠ વર્ષના બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Amreli Leopard AttackAmreli Leopard Attack

Amreli Leopard Attack

Amreli Leopard Attack: અમરેલી જિલ્લામાં દીપડાના હુમલાની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમરેલીના સણોસરા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ આઠ વર્ષના બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના હોવાથી સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

પરિવારજનોમાં શોકનો માહોલ

મળતી માહિતી મુજબ, સણોસરા ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય પરિવારનો આઠ વર્ષનો બાળક સાહિલ હરેશભાઈ કપાસના ખેતરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃતક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. બીજી તરફ, ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની અને તેને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની માગ

દીપડાની હાજરીને પગલે આસપાસના ખેતરોમાં કામ કરતા ખેતમજૂરો અને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં અમરેલી જિલ્લામાં દીપડાના હુમલાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. અગાઉ ધારીના નાગધ્રા અને દેવળા વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાઓ બની હતી. ત્યારબાદ હવે સણોસરા ગામની સીમમાં આઠ વર્ષના બાળકનો ભોગ લેવાતા વન્યપ્રાણી અને માનવ સંઘર્ષનો ગંભીર પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વનવિભાગ પાસે દીપડાને વહેલી તકે પકડી પાડવા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની માગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Diwali 2026: રાજ્યભરમાં દિવાળીના તહેવારને લઈને ગુજરાત ફાયર વિભાગ સજ્જ, નાગરિકોની સુરક્ષામાં 24 કલાક ટીમો રહેશે સ્ટેન્ડબાય