Bhuj Zaika Hotel Fire: ભુજમાં હોટેલમાં ભીષણ આગ, ગેસ બોટલ લીકેજથી લાગી આગ

Bhuj Zaika Hotel Fire: ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર શક્તિ હોટેલ સામે આવેલી ઝાયકા હોટેલમાં ગેસ બોટલ લીકેજના કારણે આગ લાગી હતી.
Kunjan Shukal
Kunjan Shukal
Bhuj Zaika Hotel FireBhuj Zaika Hotel Fire

Bhuj Zaika Hotel Fire

Bhuj Zaika Hotel Fire: કચ્છના ભુજ શહેરમાં હોટેલમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર શક્તિ હોટેલ સામે આવેલી ઝાયકા હોટેલમાં ગેસ બોટલ લીકેજના કારણે આગ લાગી હતી. આગને પગલે હોટેલમાં હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ભુજ ફાયર બ્રિગેડની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.

ફાયર જવાનોએ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી

મળતી માહિતી મુજબ, ઝાયકા હોટેલમાં અચાનક ગેસ બોટલમાંથી લીકેજ થતાં આગ લાગી હતી. ગેસ લીકેજને કારણે આગ ફેલાતાં હોટેલમાં હાજર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઈમરજન્સી નંબર 112 પર કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાં જ ભુજ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો અને ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ આગના કારણે ગેસ બોટલ વધુ જોખમી ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યો

ફાયર બ્રિગેડની ટીમે ગેસ સિલિન્ડરને સુરક્ષિત રીતે ખુલ્લી જગ્યાએ ખસેડ્યો હતો. ત્યારબાદ ગેસ બોટલ પર સતત પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને કારણે ગેસ બોટલ વધુ ગરમ થવાથી કે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાવાથી બચાવી શકાયું હતું. ફાયર બ્રિગેડના જવાનોની સમયસૂચકતા અને ઝડપી કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જો સમયસર આગને કાબૂમાં લેવામાં ન આવી હોત તો હોટેલ તેમજ આસપાસના વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. આ ઘટનાએ ફરી એકવાર હોટેલ અને વ્યાપારી એકમોમાં ગેસ સિલિન્ડરની સુરક્ષા તથા અગ્નિશમન વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો: Amul Milk Price Hike: અમૂલે વધાર્યા દૂધના ભાવ, 12 નવેમ્બરથી નવી કિંમતો થશે લાગુ