Kutch Tulsi Vivah: ભુજ સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા


સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ઉજવણી
Kutch Tulsi Vivah: ભુજ સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા


સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ઉજવણી
Kutch Tulsi Vivah: કચ્છના ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેવઊઠી એકાદશીના પવિત્ર અવસરે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઠાકોરજી અને તુલસી માતાના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહના વિવિધ પ્રસંગોમાં ભાગ લીધો હતો.
વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ
મંદિરમાં તુલસી વિવાહ નિમિત્તે પરંપરાગત લગ્ન પ્રસંગની જેમ વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ઠાકોરજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ હસ્તમેળાપ, ફેરા સહિતના લગ્ન પ્રસંગો શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ભક્તોએ ભગવાનના વિવાહના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર આયોજનમાં કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ, યુવતી મંડળ અને મહિલા મંડળ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. મંડળના સભ્યોએ કાર્યક્રમની વ્યવસ્થા, ધાર્મિક વિધિઓ અને ભક્તોની સુવિધા માટે વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.
તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના વિવાહનું ધાર્મિક મહત્ત્વ વિશેષ
હિંદુ ધાર્મિક પરંપરા અનુસાર દેવઊઠી એકાદશી બાદ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગૃત થાય છે અને તુલસી વિવાહ સાથે લગ્નસરાની શરૂઆત માનવામાં આવે છે. તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના વિવાહનું ધાર્મિક મહત્ત્વ વિશેષ છે. આ પ્રસંગ બાદ શુભ લગ્ન મુહૂર્તોની શરૂઆત થતાં કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં લગ્નની મોસમ ખીલશે. ભુજ સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી તુલસી વિવાહની ઉજવણી ભક્તો માટે આસ્થા, પરંપરા અને સામૂહિક ભક્તિનો સુંદર અવસર બની રહી હતી.




