Bhuj Palika Garden : ભુજના બાગ-બગીચા બન્યા ઉજ્જડ, કરોડોના ખર્ચ છતાં જાળવણીના અભાવે હાલત દયનીય


Bhuj Palika Garden ભુજવાસીઓ હરિયાળા બગીચાની રાહ જોઈ રહ્યાં છે
Bhuj Palika Garden : ભુજના બાગ-બગીચા બન્યા ઉજ્જડ, કરોડોના ખર્ચ છતાં જાળવણીના અભાવે હાલત દયનીય


Bhuj Palika Garden ભુજવાસીઓ હરિયાળા બગીચાની રાહ જોઈ રહ્યાં છે
Bhuj Palika Garden : ભુજ નગરપાલિકાની કામગીરી સામે નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. રાજેન્દ્રપાર્ક, ખેંગારપાર્ક, વંદેમાતરમ્ બગીચો, પુરુષોત્તમ પાર્ક અને મદનસિંહજી પાર્ક સહિતના બગીચાઓની હાલત કથળી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
શહેરના રાજેન્દ્રપાર્કના બ્યુટીફિકેશન માટે થોડા સમય પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો થતાં કામ અટકાવી દેવામાં આવ્યું હતું. બીજી તરફ, લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયેલા પુરુષોત્તમ પાર્ક અને વંદેમાતરમ્ બગીચાની હાલત પણ સુધરવાને બદલે કથળી હોવાની ફરિયાદો સામે આવી છે.
લાખો-કરોડોના ખર્ચ છતાં ભુજના બગીચાઓ બિસ્માર
પુરુષોત્તમ પાર્ક જાળવણીના અભાવે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બન્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જ્યારે વંદેમાતરમ્ બગીચામાં બાળકો માટે લગાવવામાં આવેલા અનેક રમતગમતનાં સાધનો તૂટી ગયાં છે. જેના કારણે બાળકો અને પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવીએ પણ બગીચાઓની કથળેલી સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા છે.
તેમના મતે શહેરના ઐતિહાસિક બગીચાઓની જાળવણી માટે યોગ્ય કામગીરી થવી જરૂરી છે. બીજી તરફ, સ્થાનિકોમાં પણ પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. રાજાશાહી સમયના ખેંગારપાર્કથી લઈને રાજેન્દ્રપાર્ક સુધીના બગીચાઓની હાલત અંગે લોકોમાં નારાજગી છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવતી હોવા છતાં બગીચાઓની સ્થિતિમાં અપેક્ષિત સુધારો ન થતો હોવાના સવાલો ઊભા થઈ રહ્યા છે.
રાજેન્દ્રપાર્કથી ખેંગારપાર્ક સુધી બગીચાઓની હાલત બેહાલ
આ સમગ્ર મામલે ભુજ નગરપાલિકાનાં પ્રમુખ શીતલ શાહે પાલિકા દ્વારા શહેરના તમામ બગીચાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. સર્વેમાં ક્યાં ખામીઓ છે, કયા સાધનોની જરૂર છે અને કયા બગીચામાં નવીનીકરણની કામગીરી જરૂરી છે તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.
પાલિકાનો દાવો છે કે સર્વે પૂર્ણ થયા બાદ તબક્કાવાર તમામ બગીચાઓના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે આ સર્વે બાદ ખરેખર કામગીરી શરૂ થાય છે કે કેમ અને ભુજવાસીઓને ફરી એકવાર હરિયાળા, સ્વચ્છ અને સુંદર બગીચાઓની ભેટ ક્યારે મળે છે.




