Narol Pirana Fire Godown : અમદાવાદના પીરાણા ડમ્પિંગ યાર્ડ નજીક ગોડાઉનમાં ભીષણ આગ, 15થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી

Narol Pirana Fire Godown : અમદાવાદ શહેરમાં નારોલ-વિશાલા હાઈવે પર પીરાણા ડમ્પિંગ યાર્ડ નજીક આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek Shah
Narol Pirana Fire Godown પીરાણા નજીક ગોડાઉનમાં ભીષણ આગ લાગીNarol Pirana Fire Godown પીરાણા નજીક ગોડાઉનમાં ભીષણ આગ લાગી

Narol Pirana Fire Godown પીરાણા નજીક ગોડાઉનમાં ભીષણ આગ લાગી

Narol Pirana Fire Godown : ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારના લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર, પીરાણા ડમ્પિંગ યાર્ડ નજીક આવેલા ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી.

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગાઢ વાદળો ફેલાઈ ગયા હતા. નારોલ-વિશાલા હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ધુમાડાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી.

આગ લાગવાનું કારણ અકબંઘ

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

ગોડાઉનમાં લાગેલી આગ આસપાસનાં અન્ય એકમોમાં ફેલાય નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ અલગ-અલગ દિશામાંથી પાણીનો મારો ચલાવી આગને અન્ય એકમો સુધી પહોંચતી અટકાવવાના પ્રયાસો કર્યા હતા. ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

પ્રાથમિક અનુમાન મુજબ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આગને કારણે ગોડાઉનમાં કેટલું નુકસાન થયું છે તે અંગેની વિગતો પણ હજુ સામે આવી નથી. આ સમગ્ર ઘટનામાં સૌથી રાહતની વાત એ છે કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગના કારણે ફેલાયેલા ધુમાડાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાનની વિગતો અંગે તપાસ બાદ વધુ માહિતી સામે આવી શકે છે. પીરાણા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ગોડાઉનોમાં ફાયર સેફ્ટી અને ઇલેક્ટ્રિકલ સુરક્ષાના નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી એકવાર દર્શાવ્યું છે.

આ પણ વાંચો : Constitution Day : બંધારણ દિવસ પર PM નરેન્દ્ર મોદીનો દેશવાસીઓને સંદેશ, બાબાસાહેબને કર્યા નમન, વિકસિત ભારતનો સંકલ્પ દોહરાવ્યો