Vegetable Price : ભુજમાં શાકભાજીના ભાવ ગગડતાં ખેડૂતોની હાલત કફોડી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળી રહ્યાં હોવાનો આક્ષેપ


Vegetable Price ભુજમાં શાકભાજીના ભાવમાં ખેડૂતોને નુકસાન
Vegetable Price : ભુજમાં શાકભાજીના ભાવ ગગડતાં ખેડૂતોની હાલત કફોડી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળી રહ્યાં હોવાનો આક્ષેપ


Vegetable Price ભુજમાં શાકભાજીના ભાવમાં ખેડૂતોને નુકસાન
Vegetable Price : એક તરફ બિયારણ, દવા, ખાતર અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ બજારમાં શાકભાજીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ગડા પાટીયા વિસ્તારના ખેડૂતો દ્વારા રીંગણ, ડુંગળી, ટમેટા, ફુલાવર અને કાકડી સહિતના વિવિધ શાકભાજીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. જોકે, હાલ બજારમાં આ શાકભાજીના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, ફુલાવરનો ભાવ માત્ર રૂ.5થી 7 પ્રતિ કિલો મળી રહ્યો છે. જ્યારે ટમેટા રૂ.8થી 10 અને કાકડી આશરે રૂ.10 પ્રતિ કિલોના ભાવે વેચવી પડી રહી છે. ડુંગળીનો ભાવ પણ ખેડૂતોને માત્ર રૂ.15 પ્રતિ કિલો મળી રહ્યો છે. બીજી તરફ રીંગણ ખરીદવા માટે પણ વેપારીઓ તૈયાર ન હોવાની સ્થિતિ સર્જાઈ છે.
ઉત્પાદન ખર્ચ પણ નીકળવો મુશ્કેલ
ખેડૂતોનું કહેવું છે કે, ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને મજૂરીના ખર્ચમાં સતત વધારો થયો છે. પાક તૈયાર કરવા માટે દિવસ-રાત મહેનત કર્યા બાદ જ્યારે વેચાણનો સમય આવે છે ત્યારે પૂરતા ભાવ મળતા નથી. છેલ્લા બે વર્ષથી શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે.
ઘણી વખત પાક ખેતરમાંથી બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ વેચાણમાંથી મળતી રકમ કરતાં વધુ બોજારૂપ બની રહ્યો છે.આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોને શાકભાજીના ઓછા ભાવ મળી રહ્યા છે, પરંતુ બીજી તરફ ગ્રાહકોને રિટેલ માર્કેટમાં મોંઘા ભાવે શાકભાજી ખરીદવા પડી રહ્યા છે.
ખેડૂતોને પોષણક્ષમ ભાવની અપેક્ષા
ભુજના બજારમાં રીંગણનો ભાવ આશરે રૂ.30 પ્રતિ કિલો અને ડુંગળીનો ભાવ રૂ.60 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. એટલે કે ખેતરમાંથી નીકળતા શાકભાજી અને ગ્રાહકો સુધી પહોંચતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની માગ છે કે તેમને તેમના ઉત્પાદનના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. ઉત્પાદન ખર્ચ અને બજારભાવ વચ્ચેનું અંતર ઘટે તથા ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળે તે જરૂરી છે. હાલ ભુજના ગડા પાટીયા વિસ્તારના ખેડૂતો માટે શાકભાજીની ખેતી નફાને બદલે નુકસાનનો સોદો બની રહી છે.




