Kheda Police Attack: ખેડાના માછીયેલ ગામે ગરબા મામલે પોલીસ પર પથ્થરમારો, સરપંચ સહિત 11 સામે ગુનો નોંધાયો

Kheda Police Attack: ખેડા જિલ્લાના માતર તાલુકાના માછીયેલ ગામે બેસતા વર્ષના પર્વ નિમિત્તે યોજાયેલા માંડવળી ગરબા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Kheda Police AttackKheda Police Attack

Kheda Police Attack

Kheda Police Attack: ખેડા જિલ્લાના માતર તાલુકાના માછીયેલ ગામે બેસતા વર્ષના પર્વ નિમિત્તે યોજાયેલા માંડવળી ગરબા દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. બે ફળિયાના જૂથો વચ્ચે ગરબા ગાવા અને મોટા સ્પીકર વગાડવા બાબતે વિવાદ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પહોંચેલા પોલીસ કાફલા પર ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસના સરકારી વાહનને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે એક કોન્સ્ટેબલનો યુનિફોર્મ ફાડી તેની સાથે મારામારી કરવામાં આવી હતી. આ મામલે ગામના સરપંચ સહિત 11 નામજોગ શખ્સો સામે માતર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

મોટા સ્પીકર ગોઠવતાં ગરબા ગાવા બાબતે બોલાચાલી શરૂ થઈ

મળતી માહિતી મુજબ, 10 નવેમ્બરની રાત્રે ગામમાં પરંપરાગત માંડવળી ગરબા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 11 નવેમ્બરની સવારે સાઈઠ ઘર અને એંસી ઘર ફળિયાના ગરબા ગામની ભાગોળે એકઠા થયા હતા. બંને પક્ષોએ સામસામે મોટા સ્પીકર ગોઠવતાં ગરબા ગાવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. પોલીસે દરમિયાનગીરી કરી બંને જૂથોને પોતપોતાના ફળિયામાં પરત મોકલ્યા હતા. જોકે, એક જૂથના કેટલાક લોકોએ પોલીસ સાથે જીભાજોડી કરી ભાગોળે જ ગરબા રમવાની જીદ પકડી હતી. મામલો વધુ વણસતાં પોલીસે વધારાનો કાફલો બોલાવ્યો હતો.

આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ

પોલીસની સરકારી ગાડી પહોંચતાં જ ટોળાએ તેને ઘેરી પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં વાહનના ડ્રાઈવર સાઈડના કાચ તૂટી ગયા હતા અને આગળના દરવાજાઓને નુકસાન થયું હતું. આ દરમિયાન એક શખ્સે ફરજ પરના કોન્સ્ટેબલનો કોલર પકડી યુનિફોર્મ ફાડી નાખ્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. અન્ય પોલીસ કર્મચારીઓએ દરમિયાનગીરી કરી તેમને છોડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે સરપંચ મનુભાઈ સોઢાપરમાર સહિત 11 શખ્સો અને અન્ય ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બેસતા વર્ષના પર્વે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો: Kutch News : ભુજના સુખપરની સીમમાં 110 ફૂટ ઊંડા કૂવામાંથી યુવકનો મળ્યો મૃતદેહ, ક્રેનની મદદથી હાથ ધરાયું રેસ્ક્યૂ ઓપરેશન