Kheda : LCBની મોટી કાર્યવાહી, કરોડોના લોન કૌભાંડના 8 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો


Kheda
Kheda : LCBની મોટી કાર્યવાહી, કરોડોના લોન કૌભાંડના 8 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો


Kheda
Kheda : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની અંઘાડી સેવા સહકારી મંડળી સાથે સંકળાયેલા કરોડોના લોન કૌભાંડના કેસમાં છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીને ખેડા LCBએ ઝડપી પાડ્યો છે. LCBની ટીમે ચોક્કસ બાતમીના આધારે વડોદરામાંથી રફીક વ્હોરાની ધરપકડ કરી તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઠાસરા પોલીસ મથકે સોંપ્યો છે.
આરોપી રફીક વ્હોરા લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો
મળતી માહિતી મુજબ, આશરે 8 વર્ષ અગાઉ ઠાસરા તાલુકાની અંઘાડી સેવા સહકારી મંડળીના નામે KDCC બેન્કમાંથી લોન લેવામાં આવી હતી. ત્યારબાદ આ લોન ખેડૂતોને આપવામાં આવી હતી. આ લોનના હપ્તા ખેડૂતો પાસેથી વસૂલ કર્યા બાદ તેમને નકલી પાવતીઓ આપવામાં આવી અને લોનની રકમમાં ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કેસમાં રફીક વ્હોરા લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતો. આરોપી વિરુદ્ધ સેવાલીયા-ગળતેશ્વર કોર્ટ દ્વારા વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં તે છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
આરોપીની ધરપકડ થતાં પોલીસ તપાસને નવી દિશા મળવાની શક્યતા
આ દરમિયાન ખેડા LCBની ટીમને આરોપી રફીક વ્હોરા વડોદરામાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે LCBની ટીમે વડોદરા ખાતે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો રફીક વ્હોરા અંઘાડી સ્ટેશન, નેપાલપુરા, તાલુકો ગળતેશ્વરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેની ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઠાસરા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. કરોડોના લોન કૌભાંડ સાથે સંકળાયેલા આ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ થતાં પોલીસ તપાસને નવી દિશા મળવાની શક્યતા છે. સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા હતા અને નાણાકીય ઉચાપતમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.




