Nadiad Garfod : નડિયાદમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી રીઢો ચોર ઝડપાયો


Nadiad Garfod વાણિયાવાડના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી
Nadiad Garfod : નડિયાદમાં લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, અમદાવાદથી રીઢો ચોર ઝડપાયો


Nadiad Garfod વાણિયાવાડના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી
Nadiad Garfod : બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના, ચાંદીના વાસણો અને રોકડ રકમ સહિતની મત્તાની ચોરી કરનાર આરોપીને પોલીસે અમદાવાદના નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં આરોપીની ગુજરાત અને રાજસ્થાનમાં 24થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવણી હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ, નડિયાદના વાણિયાવાડ વિસ્તારમાં કિસાન સમોસાની પાછળ આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, ચાંદીના વાસણો અને રોકડ રકમ સહિત લાખોની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી પોલીસ પહોંચી આરોપી સુધી
પોલીસે આરોપી સુધી પહોંચવા માટે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા અંદાજે 200થી 250 CCTV કેમેરાના ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સની મદદથી પણ તપાસ આગળ ધપાવવામાં આવી હતી. લાંબી તપાસ બાદ પોલીસને મહત્વની કડી મળી હતી. તપાસ દરમિયાન અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા માલાભાઈ નાથાભાઈ સમૈયાની સંડોવણી સામે આવતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં 24થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓમાં તેની સંડોવણી હોવાની વિગતો સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ સિવાયનો મોટાભાગનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં બે એપલ આઈપેડ, એપલ આઈફોન-13 સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી બજાજ કંપનીની CNG રિક્ષા નંબર GJ-01-DV-7030 પણ પોલીસે જપ્ત કરી છે.
રિક્ષામાં ફરી બંધ મકાનોને નિશાન બનાવતો શખ્સ ઝડપાયો
ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાતાં ડિસમિસ, લોખંડનાં સાધનો અને આરી સહિતનાં સાધનો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યાં છે. આમ, પોલીસે ચોરીના મુદ્દામાલ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલાં વાહન અને સાધનો પણ જપ્ત કર્યાં છે. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. શાહ અને તેમની ટીમે આ કામગીરી પાર પાડી હતી. 200થી વધુ CCTV કેમેરાના ફૂટેજની તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.
આ કાર્યવાહીને પગલે નડિયાદની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. સાથે જ ગુજરાત અને રાજસ્થાનમાં થયેલી અન્ય ઘરફોડ ચોરીઓ અંગે પણ તપાસ માટે મહત્વની કડી મળી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




