નડિયાદમાં ગુજરાતના પ્રથમ ALIMCO AT Martનું લોકાર્પણ, દિવ્યાંગો માટેના સહાયક ઉપકરણો હવે એક જ સ્થળે



ALIMCO AT Mart Nadiad
નડિયાદમાં ગુજરાતના પ્રથમ ALIMCO AT Martનું લોકાર્પણ, દિવ્યાંગો માટેના સહાયક ઉપકરણો હવે એક જ સ્થળે



ALIMCO AT Mart Nadiad
ALIMCO AT Mart Nadiad: સુગમ, સમાવેશી અને સશક્ત ભારતના નિર્માણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ગુજરાતના પ્રથમ ALIMCO Assistive Technology Mart (AT Mart)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે નડિયાદમાં શરૂ થયેલું AT Mart દેશનું બીજું કેન્દ્ર બન્યું છે. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સાહસ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) દ્વારા આ માર્ટ શરૂ કરવામાં આવ્યું છે.

દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને એક જ સ્થળે મળશે સુવિધા
આ AT Martમાં દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો તેમજ દૈનિક જીવનમાં સહાયક ઉપકરણોની જરૂરિયાત ધરાવતા લોકોને વિવિધ પ્રકારની સહાયક ટેકનોલોજી અને ઉત્પાદનો એક જ સ્થળે ઉપલબ્ધ થશે. માર્ટમાં વ્હીલચેર, વોકિંગ સ્ટિક, દિવ્યાંગજનો માટે ઇલેક્ટ્રિક સ્કૂટર, સાયકલ, સ્માર્ટ ચશ્મા, કૃત્રિમ પગ, 12 ભાષામાં કાર્ય કરતી AI સ્ટિક, ઘોડી, બ્લાઇન્ડ સ્ટિક સહિતના અનેક સહાયક ઉપકરણો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત સાંભળવાની અને વાણી સંબંધિત જરૂરિયાતો માટેના સાધનો તેમજ વરિષ્ઠ નાગરિકોને દૈનિક જીવનમાં સુરક્ષિત રીતે હરવા-ફરવામાં મદદરૂપ થાય તેવી Assistive Technology પણ અહીંથી મેળવી શકાશે.

મા ગાયત્રી ઓર્થો કેર અને ALIMCO વચ્ચે MOU
આ પ્રસંગે મા ગાયત્રી ઓર્થો કેર અને ALIMCO વચ્ચે ઔપચારિક MOU પણ કરવામાં આવ્યો હતો. આ કરારથી દિવ્યાંગજનો અને જરૂરિયાતમંદ લોકોને સહાયક સાધનો સરળતાથી ઉપલબ્ધ કરાવવાની કામગીરીને વધુ વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કલેક્ટરે ગણાવ્યો ગૌરવનો અવસર
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે આ પ્રસંગે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે ખેડા જિલ્લા માટે આ ગૌરવ અને આનંદનો અવસર છે. ગુજરાતનું પ્રથમ અને ભારતનું બીજું Assistive Technology Mart શરૂ થવાથી દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબના સાધનો એક જ સ્થળેથી સરળતાથી મળી શકશે. ALIMCOના અધ્યક્ષ પ્રવીણકુમારે નડિયાદમાં AT Martની સ્થાપનાને સરકારનું ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અને દિવ્યાંગ સાધન સહાય યોજના અંગે પણ માહિતી આપી હતી.
નડિયાદ બાદ દિવ્યાંગો માટે વધુ સુગમ વાતાવરણની આશા
ઉલ્લેખનીય છે કે કાનપુરમાં દેશના પ્રથમ AT Martની શરૂઆત થયા બાદ નડિયાદમાં ભારતનું બીજું ALIMCO AT Mart શરૂ થયું છે. આધુનિક સહાયક ટેકનોલોજી દ્વારા દિવ્યાંગજનો માટે વધુ સુગમ અને સમાવેશી વાતાવરણ ઊભું કરવાની દિશામાં આ પહેલને મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ પ્રસંગે એડિશનલ કલેક્ટર વિમલ બારોટ, ALIMCO હેડ પ્રવીણકુમાર, વેસ્ટર્ન ઝોન હેડ રમેશ ચાંદ, નોર્થ ઝોન હેડ શશીર ત્રિપાઠી, જનરલ મેનેજર અજય ચૌધરી અને મા ગાયત્રી ઓર્થો કેરના અધ્યક્ષ ચંદ્ર ગોપાલજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



