Get News Alerts

Never miss breaking news updates.

ITI વિદ્યાર્થીઓ માટે ‘ગણવેશ સહાય યોજના’નો પ્રારંભ, 1.5 લાખ તાલીમાર્થીઓને મળશે ₹2,000

ITI Uniform Assistance Scheme Gujarat: રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે ITIમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ માટે ગુજરાત સરકારે મહત્વની પહેલ શરૂ કરી છે. અમદાવાદની કુબેરનગર ITI ખાતેથી ‘ગણવેશ સહાય...
R Gajjar
R GajjarUpdated on: 08 Sep 2026 03:32 PM IST
ITI વિદ્યાર્થીઓ માટે ‘ગણવેશ સહાય યોજના’નો પ્રારંભ, 1.5 લાખ તાલીમાર્થીઓને મળશે ₹2,000ITI વિદ્યાર્થીઓ માટે ‘ગણવેશ સહાય યોજના’નો પ્રારંભ, 1.5 લાખ તાલીમાર્થીઓને મળશે ₹2,000

ITI Uniform Assistance Scheme Gujarat

ITI Uniform Assistance Scheme Gujarat: રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે ITIમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ માટે ગુજરાત સરકારે મહત્વની પહેલ શરૂ કરી છે. અમદાવાદની કુબેરનગર ITI ખાતેથી ‘ગણવેશ સહાય યોજના’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

289 સરકારી ITIના વિદ્યાર્થીઓને મળશે લાભ

આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે રાજ્યની 289 સરકારી ITIના તાલીમાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. યોજનાનો હેતુ માત્ર વિદ્યાર્થીઓમાં એકરૂપતા લાવવાનો નથી, પરંતુ તેમનામાં શિસ્ત, વ્યાવસાયિકતા, આત્મવિશ્વાસ અને આગવી ઓળખ ઊભી કરવાનો છે.

1.5 લાખ વિદ્યાર્થીઓને સીધી ₹2,000ની સહાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજના માટે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આશરે ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યોજના હેઠળ રાજ્યના અંદાજે 1.5 લાખ તાલીમાર્થીઓને વર્ષમાં બે જોડી ગણવેશ માટે પ્રત્યેક વિદ્યાર્થીના બેંક ખાતામાં DBT મારફતે સીધા ₹2,000 જમા કરવામાં આવશે.

ITIમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં વધ્યો રસ

કુંવરજીભાઈ બાવળિયાએ રાજ્યમાં સ્કીલ એજ્યુકેશન ક્ષેત્રે આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ITIમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ITIની આશરે 90થી 95 ટકા બેઠકો ભરાઈ ચૂકી છે. આધુનિક સમયની જરૂરિયાત મુજબના અભ્યાસક્રમોનો ઉલ્લેખ કરતાં તેમણે કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સિટી ખાતે ચાલી રહેલી એડવાન્સ્ડ ડ્રોન ટેક્નોલોજીની તાલીમનો પણ ઉલ્લેખ કર્યો હતો.

યુવાનોને વૈશ્વિક કૌશલ્ય સાથે જોડવાનો પ્રયાસ

રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સરકારનો ઉદ્દેશ્ય ગુજરાતની ITI સંસ્થાઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે, જેથી રાજ્યના યુવાનો માત્ર ગુજરાત કે દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ કૌશલ્યના આધારે રોજગારી મેળવી શકે.

વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ સહાય

રાજ્યની ITIમાં પ્રવેશ મેળવનારી વિદ્યાર્થીનીઓને ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ પ્રથમ વર્ષે ₹15,000 અને બીજા વર્ષે ₹9,000 એમ કુલ ₹24,000ની આર્થિક સહાય આપવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ITI કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે ₹3,000ની મુસાફરી સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

કૌશલ્ય સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કાર

તાલીમાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા ‘વિશ્વકર્મા કૌશલ્ય સ્પર્ધા’ હેઠળ વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.

  1. જિલ્લા કક્ષાએ: ₹7,000

  2. પ્રાદેશિક કક્ષાએ: ₹25,000

  3. રાજ્ય કક્ષાએ: ₹50,000

આ કાર્યક્રમમાં અધિકારીઓ, ITIના પ્રિન્સિપાલ, સ્થાનિક પ્રતિનિધિઓ અને શ્રમ-રોજગાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની તમામ ITIના તાલીમાર્થીઓ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]