Kheda News : નડિયાદ રેલવે સ્ટેશન લૂંટકાંડમાં મોટો ખુલાસો, 3 કિલો સોનું રિકવર કરી પોલીસે આરોપીઓએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ



Nadiad Gold Robbery Cracked
Kheda News : નડિયાદ રેલવે સ્ટેશન લૂંટકાંડમાં મોટો ખુલાસો, 3 કિલો સોનું રિકવર કરી પોલીસે આરોપીઓએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ



Nadiad Gold Robbery Cracked
Kheda News : કરોડોની કિંમતનું સોનું લૂંટનાર ચાર આરોપીઓને વિરમગામથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલું ત્રણ કિલો જેટલું સોનું પણ પોલીસે રિકવર કર્યું છે. હવે રેલવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
3 કિલો સોનું પોલીસે જપ્ત કર્યુ
ત્રીજી તારીખે નડિયાદ રેલવે સ્ટેશન પર લૂંટની ઘટના બની હતી. હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલા ભરત ચૌધરી નામના મુસાફર પાસે આશરે ત્રણ કિલો સોનું હતું. તેઓ આ સોનું અમદાવાદ ખાતે વેચવા માટે લઈ જઈ રહ્યા હતા. દરમિયાન નડિયાદ રેલવે સ્ટેશન પર અગાઉથી રાહ જોઈ રહેલા ચાર શખ્સોએ તેમની ઘેરાબંધી કરી સોનું લૂંટી લીધું હતું. લૂંટ બાદ આરોપીઓ પ્લેટફોર્મ નંબર 3 તરફથી ઝડપથી ફરાર થઈ ગયા હતા.
બનાવની જાણ થતાં ભોગ બનનારે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસને માહિતી આપી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી સમગ્ર ગુજરાતમાં નાકાબંધી ગોઠવી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ વિરમગામ તરફ જઈ રહ્યા હોવાની ટેકનિકલ માહિતી મળી હતી. ચોક્કસ બાતમી અને લોકેશનના આધારે વિરમગામ પોલીસે કાર્યવાહી કરીને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની તલાશી દરમિયાન લૂંટમાં ગયેલું આશરે ત્રણ કિલો સોનું સુરક્ષિત રીતે મળી આવ્યું હતું. આ ઉપરાંત લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો પણ પોલીસે કબજે કર્યા છે.
આરોપીની પૂછપરછ ચાલી રહી છે
આ કેસની તપાસ પશ્ચિમ રેલવે વડોદરાના DYSP જે. એસ. બારીયા અને તેમની ટીમ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. તપાસના ભાગરૂપે આજે ચારેય આરોપીઓને નડિયાદ રેલવે સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. પ્લેટફોર્મ નંબર 1 અને પ્લેટફોર્મ નંબર 2 વચ્ચે આવેલા ફૂડ ઓવરબ્રિજ સહિતના સ્થળોએ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ કેવી રીતે કરવામાં આવી, કઈ રીતે ઘેરાબંધી કરી અને ત્યારબાદ કઈ દિશામાં ફરાર થયા તેની માહિતી મેળવી હતી.
હાલ ચારેય આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ લૂંટમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




