Kheda : નડીયાદ SOGની કાર્યવાહી, રદ થયેલી રૂ.500ની 1,835 જૂની નોટો સાથે 2 ઝડપાયા


Kheda
Kheda : નડીયાદ SOGની કાર્યવાહી, રદ થયેલી રૂ.500ની 1,835 જૂની નોટો સાથે 2 ઝડપાયા


Kheda
Kheda : ખેડા જિલ્લાના નડીયાદમાં રદ થયેલી જૂની રૂ.500ની નોટોના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. નડીયાદ SOG પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 1,835 નંગ જૂની રૂ.500ની નોટો જપ્ત કરી હતી, જેની તત્કાલીન કિંમત રૂ.9,17,500 થતી હતી.
SOGએ બાતમીના આધારે વોચ ગોઠવી
મળતી માહિતી મુજબ, નડીયાદ SOGના PSI જે.એમ. પઢિયારને ગુપ્ત બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસ ટીમે પીપલગ ફૂડ બોક્સ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાં ઉભા રહેલા શંકાસ્પદ ઈસમોની એક્ટિવાની ડિક્કીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક્ટિવાની ડિક્કીમાંથી રદ કરવામાં આવેલી જૂની રૂ.500ની નોટોનો જથ્થો મળી આવ્યો હતો.
3 લોકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
પોલીસે સ્થળ પરથી રાહુલ ઉર્ફે રવિ પીયુષભાઈ ભાટીયા અને તપન ઉર્ફે તપલો દિનેશભાઈ ધામી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની ઉંમર 27 વર્ષ હોવાનું સામે આવ્યું છે. રાહુલ ઉર્ફે રવિ નડીયાદના લખાવાડ વિસ્તારમાં રહે છે, જ્યારે તપન ઉર્ફે તપલો નડીયાદની મારૂતી શરણમ સોસાયટીમાં રહે છે. આ મામલે નડીયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે રદ થયેલી નોટો વટાવવા માટે આપનાર રાહુલ રાઠોડ, જે તારાપુરનો રહેવાસી હોવાનું જણાવાયું છે, તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે વધુ તપાસ શરૂ કરી
પોલીસે જપ્ત કરેલી 1,835 જૂની રૂ.500ની નોટોની કુલ તત્કાલીન કિંમત રૂ.9,17,500 હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 'ધ સ્પેસિફાઇડ બેંક નોટ્સ એક્ટ, 2017'ની કલમ-7 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર કેસની વધુ તપાસ નડીયાદ SOG દ્વારા હાથ ધરવામાં આવી છે. જૂની રદ થયેલી નોટો આરોપીઓ પાસે કેવી રીતે આવી, તેને ક્યાં અને કોને વટાવવાની હતી તેમજ આ મામલે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Kheda : કઠલાલ શહેરમાં હડકાયા કૂતરાનો આતંક, 18 લોકોને ભર્યા બચકા





