Junagadh Lioness Death: વિસાવદરના ખંભાળિયા નજીક મીટરગેજ ટ્રેનની અડફેટે સિંહણનું મોત


Junagadh Lioness Death
Junagadh Lioness Death: વિસાવદરના ખંભાળિયા નજીક મીટરગેજ ટ્રેનની અડફેટે સિંહણનું મોત


Junagadh Lioness Death
Junagadh Lioness Death: જૂનાગઢ જિલ્લામાં વન્યજીવની સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. વિસાવદરના ખંભાળિયા નજીક જૂનાગઢ-ચલાલા રૂટ પર દોડતી મીટરગેજ લોકલ ટ્રેનની અડફેટે એક સિંહણનું મોત થયું છે. ઓઝત નદીના પુલ પરથી પસાર થતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે વન વિભાગ અને રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.
સિંહણને ગંભીર ઈજાઓ પહોંચી હતી
મળતી માહિતી અનુસાર, જૂનાગઢ-ચલાલા રૂટ પર દોડતી લોકલ ટ્રેન જ્યારે વિસાવદરના ખંભાળિયા નજીક ઓઝત નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક સિંહણ ટ્રેનની સામે આવી ગઈ હતી. ટ્રેનની અડફેટે આવતા સિંહણને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઓઝત નદીના પુલ પર 44/29/6 નંબરના પોલ પાસે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક સિંહણની ઉંમર અંદાજે 5થી 9 વર્ષની હોવાનું પ્રાથમિક અનુમાન છે.
દુર્ઘટનાઓ અટકાવવા માટે તકેદારી જરૂરી બની
ઘટનાની જાણ થતાં જ વન વિભાગ અને રેલવે વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સિંહણના મૃતદેહને વધુ તપાસ અને જરૂરી પ્રક્રિયા માટે સીમર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં વન્યજીવોની સુરક્ષા અને રેલવે ટ્રેક પર તેમની અવરજવર અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ગીર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર રહેતી હોવાથી આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે તકેદારી જરૂરી બની છે. આ સમગ્ર મામલે વિસાવદરના આર.એફ.ઓ. ડી.આર. ડાંભલાના જણાવ્યા અનુસાર વન વિભાગ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Amul Lassi Price: અમૂલ દૂધ બાદ હવે દહીં અને લસ્સી પણ થઈ મોંઘી, 14 નવેમ્બરથી નવા ભાવ લાગુ




