Get News Alerts

Never miss breaking news updates.

Junagadh ના ઉપરકોટ કિલ્લામાં દીપડાની દહેશત, પ્રવાસીઓ માટે કિલ્લો સંપૂર્ણ બંધ કરાયો

Junagadh ના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 31 Aug 2026 09:33 AM IST
Junagadh ના ઉપરકોટ કિલ્લામાં દીપડાની દહેશત, પ્રવાસીઓ માટે કિલ્લો સંપૂર્ણ બંધ કરાયોJunagadh ના ઉપરકોટ કિલ્લામાં દીપડાની દહેશત, પ્રવાસીઓ માટે કિલ્લો સંપૂર્ણ બંધ કરાયો

Junagadh fort leopard

Junagadh : પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા ઉપરકોટ કિલ્લો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. દીપડાની હાજરીની સત્યતા ચકાસવા સાથે તેને પકડવા માટે કિલ્લા પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે સાંજે ઉપરકોટ કિલ્લામાં દીપડો ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સામે આવતા જ વન વિભાગની ટીમો તાત્કાલિક હરકતમાં આવી હતી. સુરક્ષાના કારણોસર કિલ્લામાં રહેલા પ્રવાસીઓ અને અન્ય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને કિલ્લા પરિસરમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

ઉપરકોટના ઇતિહાસમાં પહેલીવાર દીપડા માટે પાંજરા મૂકાયા

વન વિભાગની ટીમ મોડી રાત સુધી ઉપરકોટ કિલ્લા પરિસરમાં હાજર રહી હતી. દીપડાની હિલચાલ અંગે માહિતી મેળવવા માટે અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. સાથે જ કિલ્લાના બે અલગ સ્થળોએ પાંજરા અને ત્રણ ટ્રેકર ગોઠવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉપરકોટ કિલ્લો ગિરનારના જંગલ વિસ્તારને અડીને આવેલો છે. જેના કારણે દીપડો ગિરનારના જંગલ વિસ્તારમાંથી ભટકીને કિલ્લા પરિસરમાં આવી ચડ્યો હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે છેલ્લા બે દિવસથી ઉપરકોટ આસપાસના વિસ્તારોમાં દીપડો ફરતો હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે.

કિલ્લો પ્રવાસીઓ માટે બંધ કરાયો

ઉપરકોટ કિલ્લાના રિનોવેશન બાદ કિલ્લા પરિસરમાં વન્ય પ્રાણીની હાજરી નોંધાવાની આ પ્રથમ ઘટના હોવાનું જણાવાઈ રહ્યું છે. એટલું જ નહીં, ઉપરકોટના લાંબા ઇતિહાસમાં દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની આ પ્રથમ ઘટના હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. હાલ વન વિભાગ દ્વારા કિલ્લા પરિસરમાં સતત નજર રાખવામાં આવી રહી છે. ટ્રેકર અને પાંજરા મારફતે દીપડાની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

દીપડો પાંજરે પુરાય અથવા તેની હાજરી અંગે સંપૂર્ણ સ્પષ્ટતા થાય ત્યાં સુધી પ્રવાસીઓ માટે ઉપરકોટ કિલ્લો બંધ રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓથી ધમધમતા જૂનાગઢના આ ઐતિહાસિક સ્થળ પર હાલ સન્નાટો છવાયો છે. વન વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ જ કિલ્લો પ્રવાસીઓ માટે ફરી ખોલવામાં આવશે.

આ પણ વાંચો : Jamnagar નજીક ઓટો રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 ના મોત, દર્શનાર્થે જતા પરિવારને અકસ્માત નડ્યો

View post on Instagram
AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.