Anand ના ખંભાતમાં એક જ પરિવારની 3 દીકરી તળાવમાં ડૂબી જતા મોત, પરિવારમાં આક્રંદ છવાયો



Anand
Anand ના ખંભાતમાં એક જ પરિવારની 3 દીકરી તળાવમાં ડૂબી જતા મોત, પરિવારમાં આક્રંદ છવાયો



Anand
Anand : એક સાથે ત્રણ દીકરીઓના મોતથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, ખડઉ સીમ વિસ્તારમાં આવેલા તળાવ પાસે ત્રણેય બાળકીઓ શૌચક્રિયા માટે ગઈ હતી.
દરમિયાન કોઈ કારણોસર ત્રણેય બાળકીઓ તળાવમાં પડી ગઈ હતી અને પાણીમાં ડૂબી ગઈ હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતાં સગાસંબંધીઓ અને સ્થાનિકોએ તળાવ આસપાસ શોધખોળ શરૂ કરી હતી.
તળાવમાં ડૂબી એક જ પરિવારની 3 દીકરીઓનાં મોત
પરિવારજનો દ્વારા અંદાજે બે કલાક સુધી ત્રણેય બાળકીઓની શોધખોળ કરવામાં આવી હતી. આ દરમિયાન તળાવના કિનારે કાગળની હોડીઓ જોવા મળતાં બાળકીઓ તળાવમાં પડી હોવાની આશંકા વધુ મજબૂત બની હતી.
ત્યારબાદ સ્થાનિક યુવકે હિંમત કરીને તળાવમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન સ્થાનિક યુવકને તળાવમાંથી ત્રણેય બાળકીઓ મળી આવી હતી. ત્રણેયને તાત્કાલિક બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ ત્રણેય બાળકીઓને મૃત જાહેર કરી હતી.
ત્રણ દીકરીઓના મોતથી પરિવાર શોકમાં
મૃતક બાળકીઓમાં પ્રિયા (13 વર્ષ), ઈશા (11 વર્ષ) અને રીના (8 વર્ષ)નો સમાવેશ થાય છે. ત્રણેય બાળકીઓ શકરપુરના મોસમફળીયા ખાતે રહેતા અશ્વિનભાઈ બારૈયાની પુત્રીઓ હોવાનું જાણવા મળ્યું છે. ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ એકસાથે પોતાની ત્રણેય વ્હાલસોયી દીકરીઓ ગુમાવતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. મૃતક બાળકીઓના મૃતદેહોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારની ત્રણ દીકરીઓના અચાનક મોતના સમાચારથી પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયો છે. આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. ખડઉ સીમની આ કરુણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



