Junagadh : ટ્યુશન ક્લાસીસની સજા બની વિદ્યાર્થી માટે મુસીબત, ઉઠક-બેઠક કરાવતા 17 વર્ષના વિદ્યાર્થીની કિડની પર અસર


Junagadh
Junagadh : ટ્યુશન ક્લાસીસની સજા બની વિદ્યાર્થી માટે મુસીબત, ઉઠક-બેઠક કરાવતા 17 વર્ષના વિદ્યાર્થીની કિડની પર અસર


Junagadh
Junagadh : જૂનાગઢમાં ટ્યુશન ક્લાસીસમાં વિદ્યાર્થીને આપવામાં આવેલી સજાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગૃહકાર્ય પૂરું ન કરવા બદલ શિક્ષકે 17 વર્ષના વિદ્યાર્થી પાસે સતત ઉઠક-બેઠક કરાવતાં તેની તબિયત લથડી હતી. વિદ્યાર્થીના પગમાં અસહ્ય દુખાવો શરૂ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થીની કિડની પર પણ અસર પહોંચી હોવાનું સામે આવતાં મામલો ગંભીર બન્યો છે.
વિદ્યાર્થીના પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો
મળતી માહિતી મુજબ, જૂનાગઢમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા 17 વર્ષના વિદ્યાર્થીએ ગૃહકાર્ય પૂરું કર્યું ન હતું. આ બાબતે શિક્ષકે તેને સજા આપવાના હેતુથી સતત ઉઠક-બેઠક કરાવી હતી. લાંબા સમય સુધી ઉઠક-બેઠક કરાવવાના કારણે વિદ્યાર્થીની તબિયત બગડી હતી. તેના પગમાં સખત દુખાવો શરૂ થતાં પરિવારજનો તેને જૂનાગઢની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થીની કિડની પર અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કરીને ટ્યુશન ક્લાસીસના સંચાલકો અને શિક્ષકો સામે ફરિયાદ નોંધાવી હતી. પરિવારની ફરિયાદના આધારે જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્યુશન સંચાલક સંગીતાબેન જાદવ અને અન્ય શિક્ષક હાર્દિક કૂવાડિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો ઉપરાંત જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાર્થીને શારીરિક સજા આપવાને મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો
હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીને કઈ પરિસ્થિતિમાં અને કેટલા સમય સુધી ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી, તેમજ આ ઘટનામાં કોની કેટલી જવાબદારી છે તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ શિક્ષણના નામે વિદ્યાર્થીઓને આપવામાં આવતી શારીરિક સજાના મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. શિક્ષણના સ્થાને શારીરિક દંડ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી બની શકે છે તેનું આ ઘટના ઉદાહરણ બની છે.
આ પણ વાંચો : Junagadhમાં સફાઈ મુદ્દે મહિલાઓનો આક્રોશ, વનમંત્રી સમક્ષ કડિયાવાડની મહિલાઓએ ઠાલવી વ્યથા




