Junagadh : સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે વિભાગમાં મશીનની અછત, દર્દીઓને પડી રહી છે ભારે હાલાકી


Junagadh
Junagadh : સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે વિભાગમાં મશીનની અછત, દર્દીઓને પડી રહી છે ભારે હાલાકી


Junagadh
Junagadh : જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને એક્સ-રે અને સોનોગ્રાફી જેવી મહત્વની તપાસ માટે લાંબી રાહ જોવી પડી રહી હોવાની ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં મશીનોની અછતને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે.
દર્દીઓની તપાસમાં થઈ રહ્યો છે વિલંબ
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. તેમાં પણ ગ્રામ્ય અને બહારગામના વિસ્તારોમાંથી આવતા દર્દીઓ માટે તપાસમાં થતો વિલંબ વધુ મુશ્કેલી સર્જી રહ્યો છે. એક્સ-રે કરાવવા માટે લાંબો સમય રાહ જોવી પડતી હોવાથી દર્દીઓનો આખો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઈ જાય છે. ગંભીર અથવા તાત્કાલિક સારવારની જરૂરિયાત ધરાવતા દર્દીઓના પરિવારજનો માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે.
અનેક ફરિયાદો સામે આવી
હોસ્પિટલના એક્સ-રે વિભાગ ઉપરાંત સોનોગ્રાફી વિભાગમાં પણ દર્દીઓની સંખ્યા વધુ હોવાને કારણે રાહ જોવાની સ્થિતિ સર્જાતી હોવાની ફરિયાદો છે. મહત્વની તપાસ માટે લાંબી કતારોના કારણે હોસ્પિટલની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા વધુ મશીનો ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે. આગામી સમયમાં એક્સ-રે પ્રિન્ટ કરવાના મશીનોની સંખ્યા વધારવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, હાલની પરિસ્થિતિને જોતા દર્દીઓની મુશ્કેલી દૂર કરવા માટે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી લોકોની માગ
લોકોનું કહેવું છે કે સિવિલ હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી એક્સ-રે અને સોનોગ્રાફી જેવી આવશ્યક સેવાઓ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. ખાસ કરીને બહારગામથી આવતા દર્દીઓને વારંવાર હોસ્પિટલના ધક્કા ન ખાવા પડે અને સમયસર તપાસ થઈ શકે તે માટે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા મશીનો વધારવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તો દર્દીઓની હાલાકી ઓછી થઈ શકે છે.





