Junagadh : મેંદરડામાં તંત્રની મોટી કાર્યવાહી, કોમર્શિયલ ઉપયોગ કરતા રિસોર્ટના 71 રૂમ સીલ


Junagadh
Junagadh : મેંદરડામાં તંત્રની મોટી કાર્યવાહી, કોમર્શિયલ ઉપયોગ કરતા રિસોર્ટના 71 રૂમ સીલ


Junagadh
Junagadh : જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં બિનખેતીની જમીનના નિયમ વિરુદ્ધ કોમર્શિયલ ઉપયોગ સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મેંદરડા તાલુકાના ભાલછેલ ગામે રહેણાંક હેતુ માટે મંજૂર કરવામાં આવેલા બિનખેતી પ્લોટનો વાણિજ્યિક પ્રવૃત્તિ માટે ઉપયોગ થતો હોવાનું સામે આવતા તંત્રએ શ્રી શિવ વિલા રિસોર્ટ સામે કાર્યવાહી કરી છે.
તંત્રએ રિસોર્ટ સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી
મળતી માહિતી મુજબ, સાસણ નજીક આવેલા ભાલછેલ ગામમાં શ્રી શિવ વિલા રિસોર્ટના પ્લોટ નંબર 10થી 26 રહેણાંક હેતુ માટે મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ પ્લોટ પર રહેણાંક મંજૂરી હોવા છતાં રિસોર્ટની કોમર્શિયલ પ્રવૃત્તિ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા રિસોર્ટના કુલ 71 જેટલા રૂમને સીલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ સંબંધિત સંચાલકો સામે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ કરવામાં આવેલા કોમર્શિયલ ઉપયોગ બદલ દંડનીય વસૂલાત માટે જરૂરી ચલણ ભરવાની સૂચના પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તંત્રએ રિસોર્ટ સંચાલકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો નિયમવિરુદ્ધ કરવામાં આવેલો કોમર્શિયલ ઉપયોગ અને અનધિકૃત બાંધકામ દૂર કરવામાં નહીં આવે, તો સરકારી તંત્ર દ્વારા આગળ આવીને આવા બિનઅધિકૃત ઉપયોગ અને બાંધકામને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
રિસોર્ટ અને હોટેલ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો
આ કાર્યવાહી બાદ મેંદરડા તાલુકા સહિત સાસણ વિસ્તારના અન્ય રિસોર્ટ અને હોટેલ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે. રહેણાંક હેતુ માટે મંજૂર થયેલી બિનખેતી જમીનનો નિયમવિરુદ્ધ કોમર્શિયલ ઉપયોગ કરતા એકમો સામે તંત્ર આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરે તેવી શક્યતા છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા નિયમોનું પાલન કરવા અને મંજૂર ઉપયોગ સિવાયની પ્રવૃત્તિ ન કરવા સંચાલકોને ચેતવણી આપવામાં આવી છે. નિયમ વિરુદ્ધ કોમર્શિયલ ઉપયોગ સામેની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચર્ચા જાગી છે.
આ પણ વાંચો : Surat : સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, દુબઈથી પરત ફરેલા આરોપીની મુંબઈ એરપોર્ટ પરથી કરી ધરપકડ





