Get News Alerts

Never miss breaking news updates.

Junagadhમાં ₹700 કરોડના ગટર અને ₹200 કરોડના પાણી પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું, વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ

Junagadh Development Projects: જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા કરોડો રૂપિયાના વિકાસ કામોને લઈને રાજકારણ ગરમાયું છે. શહેરમાં ભૂગર્ભ ગટર, પાણીની નવી પાઇપલાઇન અને રોડ-રસ્તાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને...
R Gajjar
R GajjarUpdated on: 06 Oct 2026 02:41 PM IST
Junagadhમાં ₹700 કરોડના ગટર અને ₹200 કરોડના પાણી પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું, વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપJunagadhમાં ₹700 કરોડના ગટર અને ₹200 કરોડના પાણી પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું, વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ

Junagadh Development Projects

Junagadh Development Projects: જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા કરોડો રૂપિયાના વિકાસ કામોને લઈને રાજકારણ ગરમાયું છે. શહેરમાં ભૂગર્ભ ગટર, પાણીની નવી પાઇપલાઇન અને રોડ-રસ્તાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને લઈને વિપક્ષે આડેધડ કામ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. બીજી તરફ, મનપા તંત્રએ તમામ કામોનું સતત મોનિટરિંગ થઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે. જૂનાગઢમાં હાલ ₹700 કરોડથી વધુના ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ તેમજ આશરે ₹150થી ₹200 કરોડના પાણીની પાઇપલાઇન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં સીસી રોડ સહિતના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે.

નવી પાઇપલાઇન અને ગટર લાઇનને નુકસાનના આક્ષેપ

મનપાના વિપક્ષના નેતા લલિત પરસાણાએ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે એક વિકાસકામ ચાલી રહ્યું હોય ત્યારે અન્ય લાઇનને નુકસાન થાય છે. ગટરનું કામ કરતી વખતે નવી પાણીની પાઇપલાઇન અને પાણીના કામ દરમિયાન ભૂગર્ભ ગટર લાઇન ડેમેજ થતી હોવાનો તેમણે દાવો કર્યો છે. વિપક્ષના જણાવ્યા મુજબ, રિપેરિંગ કર્યા બાદ રોડ બનાવી દેવામાં આવે છે, પરંતુ એક-બે મહિનામાં જ રિપેર કરેલો ભાગ ફરી તૂટી જતાં ફરીથી રોડ ખોદવાની સ્થિતિ સર્જાય છે. આ સમગ્ર પ્રક્રિયાને કારણે લોકોના ટેક્સના નાણાંનો વ્યય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરીને વિપક્ષે રાજ્ય સરકાર પાસે સમગ્ર કામગીરીની તપાસની માંગ કરી છે.

મનપાનો ખુલાસો: કામગીરીનું સતત મોનિટરિંગ

વિપક્ષના આક્ષેપો અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે કમિશનરના માર્ગદર્શન હેઠળ દરરોજ સાઇટ વિઝિટ કરવામાં આવે છે અને કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે તહેવારો નજીક હોવાથી રોડ-રસ્તા, પાણી અને ગટરના કામો ઝડપથી પૂર્ણ થાય તે તંત્રની પ્રાથમિકતા છે. દરરોજ સાઇટ વિઝિટ અને રિવ્યૂ મીટિંગ યોજીને કામગીરી માટે ટાર્ગેટ આપવામાં આવે છે. ભૂગર્ભમાં અન્ય યુટિલિટી હોવાના કારણે કામગીરી દરમિયાન સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. તેમ છતાં કોઈ લાઇનને નુકસાન થાય તો તેને તાત્કાલિક રિપેર કરવામાં આવતી હોવાનું મનપા તંત્રએ જણાવ્યું છે.

તહેવારો પહેલા કામ પૂર્ણ કરવાનો દાવો

જૂનાગઢ મનપા તંત્રનો દાવો છે કે દિવાળી અને અન્ય તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને વહેલી તકે સુવિધા મળે તે માટે ટીમો દિવસ-રાત કામગીરી કરી રહી છે. એક તરફ કરોડો રૂપિયાના વિકાસ કામો વચ્ચે વિપક્ષ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી રહ્યો છે, તો બીજી તરફ મનપા તંત્ર કામગીરી યોગ્ય રીતે ચાલી રહી હોવાનો દાવો કરી રહ્યું છે. હવે આ કામગીરીથી જૂનાગઢવાસીઓને રોડ ખોદાણ અને ટ્રાફિક સહિતની હાલાકીમાંથી ક્યારે રાહત મળે છે તે જોવું રહ્યું.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]