જૂનાગઢમાં ગૌશાળાની આડમાં દારૂનું કટીંગ! ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, રૂ.3.5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો


Junagadh Crime Branch Liquor Seized
જૂનાગઢમાં ગૌશાળાની આડમાં દારૂનું કટીંગ! ક્રાઈમ બ્રાન્ચનો દરોડો, રૂ.3.5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો


Junagadh Crime Branch Liquor Seized
Junagadh Crime Branch Liquor Seized: જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને દારૂના ગેરકાયદે કારોબાર સામે મોટી સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે પોલીસે પાદરીયા ગામે આવેલી પ્લાસવા વૃંદાવન ગૌશાળામાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગૌશાળાની આડમાં બહારના રાજ્યમાંથી દારૂનો જથ્થો મંગાવી તેનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગૌશાળામાં દારૂનું કટીંગ થતું હોવાની બાતમી
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સાગર ઉર્ફે કાન્ચો પ્રવિણભાઈ સોલંકી, રહે. પ્રદીપ ખાડીયા, જૂનાગઢ, બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાની ગૌશાળામાં તેનું કટીંગ કરતો હતો. બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાદરીયા પ્રાથમિક શાળા સામેની ગલીમાં અંદાજે 200 મીટર અંદર આવેલી પ્લાસવા વૃંદાવન ગૌશાળામાં તપાસ હાથ ધરી હતી.

ક્રેટા કારમાંથી મળી દારૂની બોટલો
પોલીસ તપાસ દરમિયાન ગૌશાળા પરિસરમાં સફેદ રંગની ક્રેટા કાર નંબર GJ-03-BJ-3122 મળી આવી હતી. પોલીસે કારની ડેકી તેમજ ગૌશાળા પરિસરમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના ઝબલામાં ભરેલી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કબજે કરેલા દારૂના જથ્થાની કિંમત રૂ.3.5 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
દરોડા સમયે મુખ્ય આરોપી ફરાર
પોલીસના દરોડા દરમિયાન બાતમીમાં દર્શાવાયેલો આરોપી સાગર ઉર્ફે કાન્ચો પ્રવિણભાઈ સોલંકી હાજર મળ્યો નહોતો. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે.
દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? પોલીસ તપાસ શરૂ
ક્રાઈમ બ્રાન્ચ હવે ઝડપાયેલા દારૂનો જથ્થો બહારના રાજ્યમાંથી ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ગૌશાળામાં કટીંગ કરીને કોને સપ્લાય કરવાનો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ કરી રહી છે. ગૌશાળાની આડમાં દારૂના કટીંગની બાતમી સામે આવતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.




