Girnar Lili Parikrama: ગિરનાર લીલી પરિક્રમાનો બીજો દિવસ, 'જય ગિરનારી'ના નાદ સાથે 36 કિમીના જંગલ માર્ગે આગળ વધી રહ્યા શ્રદ્ધાળુઓ

Girnar Lili Parikrama: જૂનાગઢના ગિરનાર પર્વતમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમાનો આજે બીજો દિવસ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરિક્રમામાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Kunjan Shukal
Kunjan Shukal
ગિરનાર લીલી પરિક્રમાનો બીજો દિવસગિરનાર લીલી પરિક્રમાનો બીજો દિવસ

ગિરનાર લીલી પરિક્રમાનો બીજો દિવસ

Girnar Lili Parikrama: જૂનાગઢના ગિરનાર પર્વતમાં યોજાતી પવિત્ર લીલી પરિક્રમાનો આજે બીજો દિવસ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરિક્રમામાં યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અને આસ્થામાં કોઈ ઘટાડો થયો નથી. હજારો શ્રદ્ધાળુઓ 'જય ગિરનારી'ના નાદ સાથે 36 કિલોમીટરના જંગલ માર્ગે પરિક્રમા કરી રહ્યા છે.

પોલીસ અને વન વિભાગ દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી

પરિક્રમાના માર્ગમાં ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલા કપરા ચઢાણ અને ઉતરાણને કારણે યાત્રિકોને આગળ વધવામાં વધુ સમય લાગી રહ્યો છે. કેટલાક સ્થળોએ ટ્રાફિકની સ્થિતિ સર્જાતા પણ યાત્રિકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે પરિક્રમા પૂર્ણ કરવા આગળ વધી રહ્યા છે.

પરિક્રમા રૂટ પર પોલીસ અને વન વિભાગ દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષા, માર્ગ વ્યવસ્થાપન અને જરૂરી સુવિધાઓ માટે વિવિધ સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે પાણી અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

કેટલાક શ્રદ્ધાળુઓ આધુનિક ટેન્ટ સાથે પણ જોવા મળ્યા

પરિક્રમા દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ પરંપરા અને ધાર્મિક નિયમો અનુસાર જાતે ભોજન તૈયાર કરતા જોવા મળ્યા હતા. જંગલના માર્ગે ભજન-કીર્તન અને 'જય ગિરનારી'ના નાદ સાથે આગળ વધતા યાત્રિકો પરિક્રમાના વાતાવરણને વધુ ભક્તિમય બનાવી રહ્યા છે. રાત્રિના રોકાણ દરમિયાન આરામ માટે કેટલાક શ્રદ્ધાળુઓ આધુનિક ટેન્ટ સાથે પણ જોવા મળ્યા હતા.

ગિરનારના જંગલને પ્લાસ્ટિકમુક્ત રાખવા માટે કરવામાં આવતી સઘન ચેકિંગ અને સ્વચ્છતા અંગેના સંદેશથી પણ યાત્રિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. આસ્થા, પ્રકૃતિ અને પરંપરાના સંગમ સમાન લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચો: Panchmahal News: હાલોલ નગરપાલિકામાં રૂપિયા 13.40 લાખની ઉચાપતનો આરોપ, કર્મચારી સામે પોલીસ ફરિયાદ