Jamnagar News: હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનની છત ધરાશાયી, બે વૃદ્ધો ગંભીર

Jamnagar News: જામનગરના રણજીતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાયી થતાં બે વૃદ્ધો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
Kunjan Shukal
Kunjan Shukal
Jamnagar Ranjitnagar Roof Collapse NewsJamnagar Ranjitnagar Roof Collapse News

Jamnagar Ranjitnagar Roof Collapse News

Jamnagar News: જામનગરના રણજીતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાયી થતાં બે વૃદ્ધો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આઈ-4 બ્લોકમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ વિસ્તારમાં કુલ 1,040 જેટલા મકાનો આવેલા

મળતી માહિતી મુજબ, રણજીતનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનની છતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં બે વૃદ્ધોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જર્જરિત મકાનની છત ધરાશાયી થવાની ઘટનાએ હાઉસિંગ બોર્ડની ઈમારતોની સુરક્ષા અને જાળવણી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં કુલ 1,040 જેટલા મકાનો આવેલા છે, જેમાં અંદાજે 5,000 લોકો વસવાટ કરે છે. અનેક મકાનો જર્જરિત હાલતમાં હોવાથી રહેવાસીઓના જીવ જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે જર્જરિત મકાનોના રિડેવલપમેન્ટ માટે 75 ટકા રહેવાસીઓની મંજૂરી મેળવવાના નિયમમાં જરૂરી છૂટછાટ આપવામાં આવે અને તાત્કાલિક પ્રક્રિયા શરૂ કરવામાં આવે.

CM અને DyCMને કરાઈ છે વારંવાર રજૂઆત

આ મામલે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ સ્વાગત પોર્ટલ પર વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જવાબ મળ્યો ન હોવાનો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો છે. હવે સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સમક્ષ માગ કરી છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જર્જરિત મકાનોની તપાસ કરવામાં આવે અને રિડેવલપમેન્ટની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે. દિલ્હી જેવી મોટી હોનારત સર્જાય તે પહેલાં તંત્ર જાગે અને હજારો લોકોની સુરક્ષા માટે નક્કર પગલાં ભરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. બે વૃદ્ધો ઈજાગ્રસ્ત થવાની ઘટના બાદ હવે તંત્ર આ મામલે ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Aravalli News: રોડના કામમાં વપરાતી સિમેન્ટની 150થી વધુ બેગ પથ્થર બની! સરકારી ગ્રાન્ટના ઉપયોગ સામે ઊઠ્યા સવાલો