Jamnagar Corporation : જામનગરમાં આંગણવાડીના આંગણે ગંદકીના ઢગલા, બાળકોના આરોગ્યને લઈને સ્થાનિકોમાં ચિંતા

Jamnagar Corporation : જામનગર શહેરમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે ગંદકીની સમસ્યાને ઉજાગર કરતી તસવીરો સામે આવી છે.
Vivek Shah
Vivek Shah
Jamnagar Corporation આંગણવાડીમાં કચરના ઢગલાJamnagar Corporation આંગણવાડીમાં કચરના ઢગલા

Jamnagar Corporation આંગણવાડીમાં કચરના ઢગલા

Jamnagar Corporation : શહેરના લીંબડા લાઈન વિસ્તારમાં આવેલા મકરાણી પાળામાં નંદઘર આંગણવાડીની બહાર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જ્યાં નાના ભૂલકાઓ ભણવા અને રમવા માટે આવે છે, ત્યાં જ ગંદકીના ગંજ ખડકાતાં સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આંગણવાડીની બહાર વારંવાર કચરો એકઠો થઈ જાય છે. કચરાના ઢગલાને કારણે આસપાસ દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. આંગણવાડીમાં નાના બાળકો આવતા હોવાથી તેમના આરોગ્યને લઈને વાલીઓ અને સ્થાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગંદકીના કારણે બાળકોને રોગચાળાનો ભય રહેવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કચરાની ગાડી નિયમીત આવતી નથી?

સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં કચરો એકત્રિત કરવા માટે આવતી કચરાની ગાડી નિયમિત રીતે આવતી નથી. તેના કારણે લોકો દ્વારા ફેંકવામાં આવતો કચરો સમયસર ઉપાડવામાં આવતો નથી અને ધીમે ધીમે કચરાના ઢગલા ઊભા થઈ જાય છે. આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સફાઈની કામગીરીમાં અપેક્ષિત સુધારો જોવા મળતો ન હોવાનો સ્થાનિકોનો દાવો છે.

આ ઉપરાંત, જાહેર સ્થળે કચરો ફેંકતા લોકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. સ્થાનિકોએ આંગણવાડીની આસપાસ CCTV કેમેરા લગાવવાની રજૂઆત કરી છે, જેથી ગંદકી ફેલાવનાર લોકોની ઓળખ કરી તેમની સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે.

બાળકો બિમાર પડે તો કોની જવાબદારી!

સ્થાનિકોનો સવાલ છે કે નાના બાળકો જ્યાં દરરોજ ભણવા અને રમવા આવે છે, તેની આસપાસ જ જો કચરાના ઢગલા જોવા મળે તો સ્વચ્છતાની વ્યવસ્થા સામે સવાલ ઊભા થવા સ્વાભાવિક છે. આંગણવાડીની આસપાસ સ્વચ્છ વાતાવરણ જાળવવું જરૂરી છે, જેથી બાળકોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી શકે. હવે સ્થાનિકોએ જામનગર મહાનગરપાલિકા પાસે તાત્કાલિક સફાઈ કરાવવા, કચરાની ગાડી નિયમિત મોકલવા અને ગંદકી ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આંગણવાડીની આસપાસની ગંદકી દૂર કરીને સ્વચ્છતા જાળવવા તંત્ર ક્યારે પગલાં ભરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : Mahadev Betting App : મહાદેવ સટ્ટા એપ પર CBIનું મેગા ઓપરેશન, 6 રાજયનાં 33 સ્થળોએ દરોડા