Mahadev Betting App : મહાદેવ સટ્ટા એપ પર CBIનું મેગા ઓપરેશન, 6 રાજયનાં 33 સ્થળોએ દરોડા

Mahadev Betting App : મહાદેવ ઓનલાઈન બુક સટ્ટા એપ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.
Vivek Shah
Vivek Shah
Mahadev Betting App મહાદેવ બેટિંગ એપને લઈ તપાસMahadev Betting App મહાદેવ બેટિંગ એપને લઈ તપાસ

Mahadev Betting App મહાદેવ બેટિંગ એપને લઈ તપાસ

Mahadev Betting App : મુખ્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકરને ઓમાનથી ભારત લાવી ધરપકડ કર્યા બાદ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. CBI દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં છ રાજ્યોનાં કુલ 33 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી ઓનલાઈન સટ્ટાબાજીના નેટવર્કમાં ખળભળાટ મચ્યો છે.

CBIના જણાવ્યા અનુસાર, સૌરભ ચંદ્રાકરની પૂછપરછ દરમિયાન મળેલી માહિતી અને તપાસમાં એકત્રિત થયેલા પુરાવાના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. અમૃતસર, દિલ્હી, નાગૌર, ધૌલપુર, ભોપાલ, રાયપુર, દુર્ગ, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ અને નાગપુર સહિતનાં શહેરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

CBIએ આવા પેનલ બંધ કરાવવાની કાર્યવાહી કરી હતી

દરોડા દરમિયાન કેટલીક જગ્યાએ લાઈવ સટ્ટાબાજી અને જુગારના પેનલ કાર્યરત હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. CBIએ આવા પેનલ બંધ કરાવવાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોબાઈલ ફોન, ડિજિટલ ઉપકરણો અને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. તપાસમાં અન્ય લોકોના નામે ખોલવામાં આવેલા બેંક ખાતાં એટલે કે મ્યુલ એકાઉન્ટ્સ અને હવાલા નેટવર્કના ઉપયોગ અંગેની વિગતો પણ સામે આવી છે.

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, વિદેશમાં આવેલા હેડ ઓફિસ મારફતે આ પ્લેટફોર્મનું સંચાલન થતું હતું અને ભારતમાં પેનલ ઓપરેટરોનું મોટું નેટવર્ક કાર્યરત હતું. આ ઓપરેટરો ગ્રાહકોની આઈડી સંભાળતા અને સટ્ટાની રકમ અન્ય લોકોના નામે ખોલાયેલા અથવા ભાડે મેળવેલા બેંક ખાતાંમાં જમા કરાવતા હતા. ત્યારબાદ નફાની રકમ હવાલા મારફતે વિદેશ મોકલાતી હોવાની તપાસ ચાલી રહી છે.

આવા કૃત્ય બદલ કાનૂની કાર્યવાહી થઈ શકે છે

સૌરભ ચંદ્રાકરને 1 નવેમ્બર 2026ના રોજ ભારત લાવ્યા બાદ CBIએ ધરપકડ કરી હતી. ત્યારબાદ રાયપુરની વિશેષ અદાલતે તેમને આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. પૂછપરછ પૂર્ણ થયા બાદ 12 નવેમ્બરે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 19 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. છત્તીસગઢ સરકાર પાસેથી તપાસ મળ્યા બાદ CBIએ આ કેસમાં બે FIR પણ દાખલ કરી છે.

હવે વિદેશમાં રહેલા લોકો, નેટવર્કને મદદ કરનારાઓ અને સંભવિત સરકારી અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. ફરાર આરોપીઓને ભારત પરત લાવવાની પ્રક્રિયા પણ ચાલુ હોવાનું જણાવાયું છે. CBIએ લોકોને ચેતવણી આપી છે કે ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર ગેરકાયદેસર છે. કોઈપણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, સિમકાર્ડ કે ઓળખ દસ્તાવેજ અન્ય વ્યક્તિને વાપરવા માટે આપવા કે ભાડે આપવા નહીં.

આ પણ વાંચો : Salangpur Hanmumanji : લાભ પાંચમે કષ્ટભંજનદેવ દાદાને કરાયો દિવ્ય શણગાર, રિયલ ડાયમંડ મુગટનાં દર્શનથી ભકતો થયા ભાવવિભોર