Jamnagar News: જામનગરમાં પૂનમબેન માડમના વિપક્ષ પર પ્રહાર, કહ્યું 'વિરોધ પક્ષ નહીં, અવરોધ પક્ષ બની ગયો છે વિપક્ષ'

Jamnagar News: જામનગરમાં સંવિધાન ગૌરવ દિવસના કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યા અને યુવાનોને રાષ્ટ્રપ્રત્યેની ફરજો નિભાવવાનો સંદેશ આપ્યો.
Kunjan Shukal
Kunjan Shukal
મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યામહિલા અનામત મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યા

મહિલા અનામત મુદ્દે વિપક્ષ પર પ્રહાર કર્યા

Jamnagar News: જામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. એમ.પી. શાહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં તેમણે મહિલા અનામતના મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન તેમણે વિપક્ષને નિશાન બનાવી કહ્યું હતું કે, 'વિરોધ પક્ષ નહીં, અવરોધ પક્ષ બની ગયો છે વિપક્ષ!'

રાજકીય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવાના મુદ્દે ચર્ચા કરી

આ કાર્યક્રમમાં મેડિકલ, ડેન્ટલ, નર્સિંગ અને ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંવાદ દરમિયાન પૂનમબેન માડમે ભારતીય બંધારણના મહત્વ અને લોકશાહી વ્યવસ્થામાં નાગરિકોની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

મહિલા અનામતના મુદ્દે વાત કરતાં સાંસદે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે મહિલા સશક્તિકરણ અને રાજકીય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવાના મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ભારતના બંધારણના નિર્માણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણ સભાના સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. બંધારણ દ્વારા નાગરિકોને મળેલા અધિકારો અને લોકશાહીની મજબૂતીમાં તેના મહત્વ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

વિકસિત ભારતના નિર્માણમાં યુવા પેઢી સક્રિય યોગદાન આપે તેવી અપીલ કરી

સંવાદ દરમિયાન પૂનમબેન માડમે યુવાનોને માત્ર બંધારણમાં આપવામાં આવેલા અધિકારો પૂરતા મર્યાદિત ન રહેવા, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો પણ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંદેશ આપ્યો હતો. સાથે જ વિકસિત ભારતના નિર્માણમાં યુવા પેઢી સક્રિય યોગદાન આપે તેવી અપીલ કરી હતી. સંવિધાન ગૌરવ દિવસના આ કાર્યક્રમમાં બંધારણીય મૂલ્યો, મહિલા અનામત અને દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા.

આ પણ વાંચો: Navsari News: વાંસદામાં મંત્રી કુંવરજી બાવળિયાનો 72 કલાકનો પ્રવાસ, આદિવાસી વિસ્તારોના વિકાસકાર્યોની સમીક્ષા કરાશે