Jamnagar SOG Raid: કાલાવડના હરિપર મેવાસામાં ભેળસેળયુક્ત દૂધની ડેરી પર SOGની રેડ, 486 લીટર દૂધનો જથ્થો ઝડપાયો

Jamnagar SOG Raid: જામનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Jamnagar SOG RaidJamnagar SOG Raid

Jamnagar SOG Raid

Jamnagar SOG Raid: જામનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાની ડેરી પર SOGની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 486 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો વનસ્પતિ ઘી અને 44 કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો.

દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો

મળતી માહિતી અનુસાર, હરિપર મેવાસા ગામમાં મેરૂભાઈ બધાભાઈ વંશના રહેણાંક મકાનમાં શંકાસ્પદ દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી SOGને મળી હતી. બળભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા અને નરપાલસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. SOG PI વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ PSI એલ.એમ. ઝેર અને એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન શંકાસ્પદ દૂધની સાથે મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી અને દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો.

દૂધના વેપારી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓ દ્વારા દૂધના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સ્થળને સીલ કરી શંકાસ્પદ જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નિયમ મુજબ શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. લોકોના આરોગ્ય સાથે સંકળાયેલા આ ગંભીર મામલે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દૂધના વેપારી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડાને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: Junagadh Lioness Death: વિસાવદરના ખંભાળિયા નજીક મીટરગેજ ટ્રેનની અડફેટે સિંહણનું મોત