Jamnagar : ગરીબોના હક્કનું અનાજ ચાઉં કરનારાઓ સામે પોલીસની કડક કાર્યવાહી, 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 લોકોની કરાઈ અટકાયત


Jamnagar
Jamnagar : ગરીબોના હક્કનું અનાજ ચાઉં કરનારાઓ સામે પોલીસની કડક કાર્યવાહી, 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 લોકોની કરાઈ અટકાયત


Jamnagar
Jamnagar : શહેરમાં સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની હેરફેર સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ગરીબોના હક્કના અનાજની ગેરકાયદે હેરફેર થતી હોવાની શંકાના આધારે સિટી બી ડિવિઝન પોલીસે પાણાખાણથી બેડી બંદર રોડ પર કાર્યવાહી કરી હતી. પોલીસે માલવાહક વાહનમાંથી આશરે 3,000 કિલો ઘઉંનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસે પાંચ શખ્સોની અટકાયત કરી
મળતી માહિતી મુજબ, સિટી બી ડિવિઝન પોલીસની ટીમ પાણાખાણથી બેડી બંદર રોડ વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન એક માલવાહક વાહન શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. વાહનની તપાસ દરમિયાન તેમાં મોટી માત્રામાં ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે પ્રાથમિક તપાસ દરમિયાન ઘઉંના જથ્થા અંગે શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે સ્થળ પરથી બેડી વિસ્તારના રહેવાસી એવા પાંચ શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે ઘઉંના જથ્થા સાથે માલવાહક વાહન પણ કબજે લીધું છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ઘઉં અને વાહનની કુલ કિંમત આશરે રૂ. 6,15,520 હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મુદ્દામાલને સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજની વ્યવસ્થા સાથે સંકળાયેલો છે કે કેમ તે જાણવા માટે પુરવઠા વિભાગની મદદ પણ લેવામાં આવી રહી છે.
પોલીસ અને પુરવઠા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પોલીસ અને પુરવઠા વિભાગે સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જપ્ત કરાયેલા ઘઉંના જથ્થાના દસ્તાવેજો, માલિકી અને હેરફેર અંગે તપાસ કરવામાં આવશે. પાંચેય અટકાયત કરાયેલા શખ્સોની પૂછપરછમાં આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે ગેંગ સંકળાયેલી છે કે કેમ તે અંગે મહત્વની વિગતો સામે આવવાની શક્યતા છે. ગરીબો માટે ફાળવવામાં આવતા અનાજની ગેરકાયદે હેરફેર થતી હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.





