Get News Alerts

Never miss breaking news updates.

Seva Sankalp Abhiyan 2026: ગુજરાતના 7 જિલ્લામાં ગુંજ્યો ‘વિકસિત ભારત@2047’નો સંકલ્પ, ભવ્ય ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ

Seva Sankalp Abhiyan 2026 Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે દેવભૂમિ...
R Gajjar
R GajjarUpdated on: 07 Oct 2026 07:25 PM IST
Seva Sankalp Abhiyan 2026: ગુજરાતના 7 જિલ્લામાં ગુંજ્યો ‘વિકસિત ભારત@2047’નો સંકલ્પ, ભવ્ય ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈSeva Sankalp Abhiyan 2026: ગુજરાતના 7 જિલ્લામાં ગુંજ્યો ‘વિકસિત ભારત@2047’નો સંકલ્પ, ભવ્ય ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ

Seva Sankalp Abhiyan 2026 Gujarat

Seva Sankalp Abhiyan 2026 Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા, વલસાડ, ગીર સોમનાથ, સાબરકાંઠા, પાટણ, બોટાદ અને જૂનાગઢ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ તેમજ ‘સેવા જ્યોતિ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

વિવિધ જિલ્લાઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. કાર્યક્રમો દરમિયાન વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ ‘વિકસિત ભારત@2047’ના નિર્માણ માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.

દ્વારકામાં હાથી ગેટથી દ્વારકાધીશ મંદિર સુધી યાત્રા

દેવભૂમિ દ્વારકાના દ્વારકા શહેરમાં પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ હતી. વડાપ્રધાનના સંબોધન બાદ હાથી ગેટથી દ્વારકાધીશ મંદિર સુધી ‘સેવા જ્યોતિ યાત્રા’ કાઢવામાં આવી હતી. રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર તથા ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા, ધારાસભ્ય મુળુભાઈ બેરા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડના નાનાપોંઢામાં હજારો લોકો યાત્રામાં જોડાયા

વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. હેલિપેડ મેદાનથી બિરસા મુંડા સર્કલ સુધી નીકળેલી સેવા જ્યોતિ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મંત્રીએ મશાલ પ્રજ્વલિત કરી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા દરમિયાન બિરસા મુંડાની પ્રતિમાને નમન કરવામાં આવ્યું હતું. અનાજ-કઠોળ ક્રાંતિ અને રંગોળી સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સોમનાથમાં રાષ્ટ્રભક્તિના ગીતો સાથે સેવા જ્યોતિ યાત્રા

ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ હતી. પ્રભાસપાટણથી નીકળેલી યાત્રામાં ગાયક હેમંત જોશીએ દેશભક્તિના ગીતોની રજૂઆત કરી હતી. વડાપ્રધાનના સંબોધન બાદ ઉપસ્થિત લોકોએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો. વેરાવળ ખાતે ‘સેવા જ્યોતિ સર્કલ’નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આદ્રી ગામે ‘સેવાસેતુ 2.1’ કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.

હિંમતનગરમાં દેશભક્તિના ગીતો સાથે યાત્રા

સાબરકાંઠાના હિંમતનગરમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સંકલ્પ સભા યોજાઈ હતી. વડાપ્રધાનના વર્ચ્યુઅલ સંબોધન બાદ દેશ અને સમાજના વિકાસ માટે સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મશાલ સાથે સેવા જ્યોતિ યાત્રા કોલેજથી મોતીપુરા સર્કલ સુધી પહોંચી હતી. દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચારો વચ્ચે મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાયા હતા. રંગોળી સ્પર્ધાના વિજેતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

પાટણમાં ત્રણ પવિત્ર જ્યોત સાથે યાત્રા

પાટણ APMC માર્કેટ યાર્ડ ખાતે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ હતી. કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો, વંદે માતરમનું સામૂહિક ગાન, ગુજરાતની વિકાસગાથા દર્શાવતી ફિલ્મ અને લાભાર્થીઓના અનુભવના વીડિયો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણ પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરી યાત્રા શરૂ કરાઈ હતી. APMCથી નીકળેલી યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રોટલીયા હનુમાન ખાતે પૂર્ણ થઈ હતી.

બોટાદમાં 7 હજારથી વધુ ચિત્રોનું પ્રદર્શન

બોટાદમાં પ્રભારી મંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં સેવા જ્યોતિ યાત્રાનું આયોજન કરાયું હતું. વડાપ્રધાનના સંબોધનના જીવંત પ્રસારણ બાદ વિકસિત ભારતના નિર્માણ માટે સામૂહિક શપથ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 7,000થી વધુ ચિત્રો તથા 10,000થી વધુ કોલાજ સાથે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિકાસયાત્રા દર્શાવતી ફિલ્મોનું પણ પ્રસારણ કરાયું હતું.

જૂનાગઢમાં ‘વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક’નું નામકરણ

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર ખાતે પૂર્વ મંત્રી અને જિલ્લા પ્રભારી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ હતી. આ પ્રસંગે સરોવરનું નામકરણ ‘વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક’ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ નરસિંહ મહેતા સરોવરથી સરદારબાગ સુધી ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ હતી. અહીં પણ વડાપ્રધાનના દિલ્હીના વર્ચ્યુઅલ સંબોધનનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ રીતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સેવા, જનભાગીદારી અને રાષ્ટ્રનિર્માણના સંદેશ સાથે યોજાયેલા કાર્યક્રમોમાં ‘વિકસિત ભારત@2047’ના સંકલ્પને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો હતો.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]