Jamnagar : મહેસૂલી વર્ગ-3ના કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત્, 260 કર્મચારીઓ જોડાયા


Jamnagar
Jamnagar : મહેસૂલી વર્ગ-3ના કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત્, 260 કર્મચારીઓ જોડાયા


Jamnagar
Jamnagar : જામનગર જિલ્લામાં મહેસૂલી વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલની માગ સાથે શરૂ કરવામાં આવેલી હડતાળ બીજા દિવસે પણ યથાવત્ રહી છે. હડતાળમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટી સહિત કુલ 260 જેટલા કર્મચારીઓ જોડાયા છે. કર્મચારીઓએ જૂની કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
13થી 14 જેટલા મુદ્દાઓ રજૂ કર્યા
મહેસૂલી કર્મચારીઓ દ્વારા સમયસર પ્રમોશન સહિતના વિવિધ પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોર્ટલ અને OTP જેવી ઓનલાઈન સિસ્ટમમાં રહેલી સમસ્યાઓ દૂર કરી કામગીરી વધુ સરળ બનાવવાની પણ માગણી કરવામાં આવી છે. કર્મચારીઓએ અલગ-અલગ વિભાગો વચ્ચે કામગીરીની સમાન વહેંચણી કરવા સહિત કુલ 13થી 14 જેટલા મુદ્દાઓ રજૂ કર્યા છે. લાંબા સમયથી પડતર રહેલી આ માગણીઓ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી કર્મચારીઓની માગ છે.
હાથમાં વિવિધ પ્લેકાર્ડ ધારણ કરી વિરોધ નોંધાવ્યો
હડતાળના બીજા દિવસે કર્મચારીઓએ જૂની કલેક્ટર કચેરી ખાતે રામધૂન બોલાવી સરકારનું ધ્યાન પોતાની માગણીઓ તરફ દોર્યું હતું. કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓ દ્વારા પોતાની માગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે તે માટે વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે સાંજે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. કર્મચારીઓ દ્વારા ભગવાન સમક્ષ પ્રાર્થના કરી તેમની માગણીઓનો સકારાત્મક ઉકેલ આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
મહેસૂલી કચેરીઓની કામગીરી પર અસર
આ અંગે નાયબ મામલતદારે જણાવ્યું હતું કે, રાજ્ય મહામંડળના આદેશ મુજબ આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. જ્યાં સુધી કર્મચારીઓની પડતર માગણીઓ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલનને લઈને આગળની કાર્યવાહી રાજ્ય મહામંડળના માર્ગદર્શન મુજબ કરવામાં આવશે. હડતાળના કારણે મહેસૂલી કચેરીઓની કામગીરી પર પણ તેની અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Porbandarના મોચામાં ₹100 કરોડનો મરિન બાયોટેકનોલોજી કોરિડોર બનશે, 30 એકરમાં રિસર્ચ હબ વિકસાવાશે





