Jamnagar News: રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીનો પર્દાફાશ, 3 દિવસમાં 17 મોટી જાળનો કરાયો નાશ

Jamnagar News: જામનગરના રણજીતસાગર ડેમમાંથી ફાયર બ્રિગેડે ત્રણ દિવસમાં 17 મોટી માછીમારીની જાળ બહાર કાઢી તેનો નાશ કર્યો.
Kunjan Shukal
Kunjan Shukal
રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીની પ્રવૃત્તિ સામે આવીરણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીની પ્રવૃત્તિ સામે આવી

રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીની પ્રવૃત્તિ સામે આવી

Jamnagar News: શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત ગણાતા રણજીતસાગર ડેમમાં ગેરકાયદે માછીમારીની પ્રવૃત્તિ સામે આવી છે. ડેમના પાણીમાં માછીમારી માટે મોટા પ્રમાણમાં જાળ બિછાવવામાં આવી હોવાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આ કામગીરી દરમિયાન પાણીમાંથી 17 જેટલી મોટી જાળ બહાર કાઢીને તેનો નાશ કરવામાં આવ્યો છે.

ડેમના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું

પ્રાપ્ત વિગતો અનુસાર, રણજીતસાગર ડેમની સુરક્ષા શાખાના કર્મચારીઓની નજર પાણીમાં બિછાવવામાં આવેલી માછીમારીની જાળ પર પડી હતી. ત્યારબાદ સુરક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરીને મદદ માગવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને ડેમના પાણીમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

જાળ 50 ફૂટથી પણ વધુ લાંબી હોવાનું સામે આવ્યું

આ કામગીરી દરમિયાન નાની-મોટી જાળના ટુકડાઓ ઉપરાંત 17 જેટલી મોટી માછીમારીની જાળ બહાર કાઢવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે કેટલીક જાળ 50 ફૂટથી પણ વધુ લાંબી હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા જાળને પાણીમાંથી બહાર કાઢી કાપીને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક આશંકા મુજબ, રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા શખસો દ્વારા ડેમમાં જાળ બિછાવી ગેરકાયદે માછીમારી કરવામાં આવતી હોઈ શકે છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મહત્ત્વના જળાશયમાં આવી પ્રવૃત્તિ સામે આવતાં ડેમની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે.

આ અંગે જામનગર મહાનગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર અનવર ગજ્જરે જણાવ્યું હતું કે, સુરક્ષા શાખાની મદદ માટે ફાયર બ્રિગેડ છેલ્લા ત્રણ દિવસથી જાળ કાઢવાની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 17 જેટલી મોટી જાળ કાઢીને તેનો નાશ કરવામાં આવ્યો છે. હવે આ ગેરકાયદે માછીમારી પાછળ કોણ સંડોવાયેલું છે અને ડેમમાં આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે અંગે તપાસની માગ ઊઠી છે.

આ પણ વાંચો: Panchmahal News: પંચમહાલમાં ખેતરમાંથી રૂપિયા 4.62 કરોડનો ગાંજો ઝડપાયો, ચાર આરોપીઓની ધરપકડ