Jamnagar Food Safety Drive: જામનગરમાં ફૂડ વિભાગની મેગા કાર્યવાહી, ત્રણ રેસ્ટોરન્ટ સીલ, 50 કિલો વાસી ખોરાકનો નાશ


Jamnagar Food Safety Drive
Jamnagar Food Safety Drive: જામનગરમાં ફૂડ વિભાગની મેગા કાર્યવાહી, ત્રણ રેસ્ટોરન્ટ સીલ, 50 કિલો વાસી ખોરાકનો નાશ


Jamnagar Food Safety Drive
Jamnagar Food Safety Drive: જામનગર શહેરમાં રોગચાળા અને ફૂડ પોઈઝનિંગની ફરિયાદો વચ્ચે મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ફૂડ સેફ્ટી ઓફિસર (FSO)ની ટીમો દ્વારા શહેરની વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ અને નિયમોના ભંગ બદલ ત્રણ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે.
અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો
મળતી માહિતી મુજબ, શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ખોજા નાકા પાસે આવેલી મિસ્બાહ કેટરર્સમાં સ્વચ્છતાનો અભાવ અને માન્ય ફૂડ લાયસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અજમેરી રેસ્ટોરન્ટમાં પણ તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. અહીંથી અંદાજે 40થી 50 કિલો જેટલો અખાદ્ય અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમે આ વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મિસ્બાહ કેટરર્સ, અજમેરી રેસ્ટોરન્ટ અને હુસૈની ચિકનને આગામી આદેશ ન થાય ત્યાં સુધી બંધ કરાવવામાં આવ્યા છે.
ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી
ખાદ્ય પદાર્થોમાં આજીનોમોટો અને પ્રતિબંધિત અથવા નિયમવિરોધી કલરના ઉપયોગ સામે પણ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરમાં રોગચાળા અને ફૂડ પોઈઝનિંગની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. ખાસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય એકમો સામે કાર્યવાહી ચાલુ રાખવાની તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. આ કાર્યવાહીથી શહેરના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. તંત્રની આ ઝુંબેશથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવામાં કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું.





