Rajkot News: જેતપુરમાં ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું મોત, 108 અને 112ની કામગીરી સામે પરિવારના ગંભીર આક્ષેપ


Rajkot News
Rajkot News: જેતપુરમાં ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું મોત, 108 અને 112ની કામગીરી સામે પરિવારના ગંભીર આક્ષેપ


Rajkot News
Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભીડભંજન રોડ પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું છે. આ ઘટનામાં 37 વર્ષીય વિપુલ પરમારનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ, અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ અને 112ની કામગીરી સામે મૃતકના પરિવારજનોએ ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે.
બાઈક ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી
મળતી માહિતી મુજબ, વિપુલ પરમાર જેતપુરથી પોતાના ઘરે ચારણ સમઢિયાળા જઈ રહ્યા હતા. આ દરમિયાન ભીડભંજન રોડ પર એક ડમ્પરે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વિપુલ પરમારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વિપુલ પરમારને 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
અચાનક મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયો
આ અકસ્માત બાદ મૃતકના પરિવારજનોએ 108 અને 112ની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. પરિવારજનોના આક્ષેપ મુજબ બંને ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હોવા છતાં વિપુલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આશરે એક કલાક જેટલો વિલંબ કરવામાં આવ્યો હતો. પરિવારજનોના મતે સમયસર સારવાર મળી હોત તો કદાચ તેમનો જીવ બચી શક્યો હોત. આક્ષેપોને પગલે પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યાં સુધી 108 એમ્બ્યુલન્સ અને 112ની ટીમ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી પરિવારજનોએ રજૂઆત કરી છે. વિપુલ પરમારના અચાનક મોતથી પરિવારજનોમાં આક્રંદ છવાયો છે. હવે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા શું તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. પરિવારના આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.





