Jamnagar Food Raid: દિવાળી પહેલા જામનગરમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 324 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ

Jamnagar Food Raid: દિવાળીના તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણને અટકાવવા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં આવી છે.
Kunjan Shukla
Jamnagar Food Raid NewsJamnagar Food Raid News

Jamnagar Food Raid News

Jamnagar Food Raid: દિવાળીના તહેવારો દરમિયાન ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણને અટકાવવા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયાના આદેશથી ફૂડ વિભાગે શહેરમાં અલગ-અલગ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગ્રેન માર્કેટમાં આવેલા કાશ ટ્રેડરના ગોડાઉનમાંથી 324 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી મળી આવ્યું હતું.

લેબોરેટરીમાં ઘીનું કરાયું પરીક્ષણ

ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાં તપાસ દરમિયાન શંકાસ્પદ ઘીનો નમૂનો લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત અંદાજે રૂપિયા 1,13,400ની કિંમતનો સમગ્ર 324 કિલો ઘીનો જથ્થો ગોડાઉનમાં જ સીલ કરી દેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વનસ્પતિ ઓઇલ, રિફાઇન્ડ પામ ઓઇલ, કલર અને ફ્લેવરનો રૂપિયા 25,290નો જથ્થો પણ મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું

બીજી તરફ, ગોકુલનગર વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ ફૂડ વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દુકાનોમાં ખાદ્યપદાર્થો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા તેલની TPC તપાસ કરવામાં આવી હતી. વિવિધ દુકાનોમાંથી મીઠાઈ અને ફરસાણના કુલ આઠ નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓ વધુ તપાસ અને ગુણવત્તાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન ધનલક્ષ્મી ફરસાણમાંથી બે કિલો વાસી પસ્તી મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીનમાંથી 10 કિલો વાસી મીઠાઈ મળી આવતાં તેનો પણ નાશ કરાયો હતો. અન્ય કેટલીક દુકાનોમાં TPC તપાસ દરમિયાન વપરાતું તેલ યોગ્ય જણાયું હતું. દિવાળીના તહેવારોમાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તપાસ અને કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara Gotri Murder: ગોત્રીમાં ધોળાદહાડે યુવકની હત્યા, ખંજરના ઘા ઝીંકી હુમલાખોર ફરાર