Jamnagar 108 Ambulance : જામનગરમાં ખેતરની વાડીમાં 108ની ટીમે મહિલાને કરાવી સફળ પ્રસૂતિ, 2.7 કિલોના સ્વસ્થ બાળકનો થયો જન્મ

Jamnagar 108 Ambulance : જામનગરમાં 108 એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાભરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Vivek Shah
Vivek Shah
Jamnagar 108 Ambulance જામનગરમાં વાડી બની પ્રસૂતિખંડJamnagar 108 Ambulance જામનગરમાં વાડી બની પ્રસૂતિખંડ

Jamnagar 108 Ambulance જામનગરમાં વાડી બની પ્રસૂતિખંડ

Jamnagar 108 Ambulance : જામનગરની ઠેબા ચોકડી નજીક આવેલા અલિયાબાડા ગામની એક વાડીમાં પ્રસૂતિની પીડાથી પરેશાન સગર્ભા મહિલાની 108ની ટીમે સ્થળ પર જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ 2.7 કિલોગ્રામ વજનના સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, 22 વર્ષીય સાંગીબેન મેલાને પ્રસૂતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

જાણ મળતાં જ પાયલોટ ધવલ કણજારિયા અને ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) માનવ નખવાની તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, મહિલા જ્યાં હતી તે વાડી મુખ્ય રસ્તાથી આશરે 500 મીટર અંદર આવેલી હતી. રસ્તાની સ્થિતિને કારણે એમ્બ્યુલન્સને સીધી ઘટનાસ્થળ સુધી લઈ જવી શક્ય નહોતી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં 108ની ટીમે સમય બગાડ્યા વિના સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાની જવાબદારી સંભાળી હતી.

500 મીટર અંદર વાડીમાં પહોંચી ન શકી એમ્બ્યુલન્સ

ટીમની સમયસૂચકતા અને તબીબી કુશળતાના પરિણામે સવારે 11:20 વાગ્યે સાંગીબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકનું વજન 2.7 કિલોગ્રામ નોંધાયું હતું. બાળકનો APGAR સ્કોર 10 નોંધાયો હતો અને તેના તમામ વાઇટલ પેરામીટર્સ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. સફળ પ્રસૂતિ બાદ માતા અને નવજાતને વધુ સારવાર તથા દેખરેખ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન મહિલાનું હિમોગ્લોબિન ઓછું હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી માતા અને બાળકની તબીબી દેખરેખ જરૂરી બની હતી.

ખેતરની વાડીમાં ગુંજ્યો બાળકનો પ્રથમ રુદન

આ સમગ્ર કામગીરીમાં 108ના પાયલોટ ધવલ કણજારિયા અને EMT માનવ નખવાનીની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ સુધી પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવા છતાં ટીમે સ્થળ પર જ જરૂરી તબીબી જવાબદારી સંભાળીને માતા અને બાળકને સુરક્ષિત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ સેવા કેવી રીતે લોકો માટે મદદરૂપ બની શકે છે. સમયસર મળેલી તબીબી મદદ અને ટીમની કામગીરીને કારણે અલિયાબાડા ગામની વાડીમાં સુરક્ષિત પ્રસૂતિ શક્ય બની હતી.

આ પણ વાંચો : Visavadar Police Liquor Seized : જૂનાગઢમાં આરોપીએ ટ્રકના તળિયે બનાવ્યું ખાસ ગુપ્ત ચોરખાનું, પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ઝડપાયો