Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar Airport પર આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ, ડોગ સ્ક્વોડે શોધ્યા વિસ્ફોટકો

Jamnagar Airport : જામનગરના અતિ સંવેદનશીલ એવા જામનગર એરપોર્ટ ખાતે આતંકવાદ વિરોધી હાઈ-લેવલ મોકડ્રીલ યોજાઈ હતી.
Vivek Shah
Vivek ShahUpdated on: 02 Sep 2026 08:46 AM IST
Jamnagar Airport પર આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ, ડોગ સ્ક્વોડે શોધ્યા વિસ્ફોટકોJamnagar Airport પર આતંકી હુમલાની મોકડ્રીલ યોજાઈ, ડોગ સ્ક્વોડે શોધ્યા વિસ્ફોટકો

Jamnagar Airport

Jamnagar Airport : સંભવિત આતંકી હુમલા અને બંધક બનાવવાની પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કેટલી ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરી શકે છે તેની ચકાસણી માટે આ વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી.

મોકડ્રીલ દરમિયાન એરપોર્ટ પરિસરમાં ચાર આતંકવાદીઓ હુમલો કરી નાગરિકોને બંધક બનાવે છે તેવો ડમી સિનારિયો ઊભો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ચેતક કમાન્ડો, સ્થાનિક પોલીસ અને ક્વિક રિસ્પોન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. સમગ્ર એરપોર્ટ વિસ્તારને કોર્ડન કરી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી હતી.

આતંકી હુમલા સામે તંત્રની કસોટી

જાનમાલનું નુકસાન ન થાય તે માટે બુલેટપ્રૂફ વાહનો, ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ સહિતના જરૂરી સાધનો તૈનાત કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગોના કાફલાઓ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સંકલિત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું. મોકડ્રીલના ડમી સિનારિયોમાં આતંકવાદીઓએ બંધકોને મુક્ત કરવાના બદલામાં પોતાના દેશ જવા માટે પ્લેનની સુવિધા, જેલમાં બંધ ત્રણ સાથીઓની મુક્તિ અને રોકડ રકમ જેવી માંગણીઓ મૂકી હતી.

જોકે, સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓની માંગણીઓ સ્વીકારવાને બદલે વ્યૂહાત્મક રીતે ઓપરેશન હાથ ધર્યું હતું. ચેતક કમાન્ડો અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ચારેય ડમી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર કવાયતનો મુખ્ય હેતુ વાસ્તવિક કટોકટી સમયે વિવિધ સુરક્ષા અને વહીવટી એજન્સીઓ વચ્ચેનો તાલમેલ ચકાસવાનો હતો.

ડોગ સ્ક્વોડે શોધ્યા વિસ્ફોટકો

મોકડ્રીલ દરમિયાન ડોગ સ્ક્વોડે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આતંકવાદીઓ જે કારમાં એરપોર્ટ પર પહોંચ્યા હતા તેમાં વિસ્ફોટક સામગ્રી હોવાનો ડમી સિનારિયો બનાવાયો હતો. સઘન ચેકિંગ દરમિયાન ડોગ સ્ક્વોડ દ્વારા કારમાંથી વિસ્ફોટક સામગ્રી શોધી કાઢવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કવાયતમાં પોલીસ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, PGVCL, સિવિલ ડિફેન્સ, મરીન કમાન્ડો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની એજન્સીઓએ સંકલન કર્યું હતું. આ મોકડ્રીલ દ્વારા જામનગર જિલ્લા તંત્રએ આતંકી હુમલા જેવી સંભવિત કટોકટીમાં ઝડપી પ્રતિસાદ, આંતરવિભાગીય સંકલન અને બચાવ કામગીરીની સજ્જતા ચકાસી હતી.

આ પણ વાંચો : Arvalli માં ડામર ભરેલું ટ્રેક્ટર રસ્તા વચ્ચે જ ખોટવાયું, ડામર રોડ પર વહેવા લાગ્યો

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે