Aravalli Murder Case: અરવલ્લીમાં ASI અશ્વિન તબિયાડના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાયો, મહિલા પોલીસકર્મી સહિત ચાર આરોપીઓની ધરપકડ

Aravalli Murder Case: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઝીંઝોડી ગામના ASI અશ્વિન તબિયાડના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે.
Kunjan Shukal
Kunjan Shukal
Aravalli ASI Ashwin Tabiyad Murder CaseAravalli ASI Ashwin Tabiyad Murder Case

Aravalli ASI Ashwin Tabiyad Murder Case

Aravalli Murder Case: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઝીંઝોડી ગામના ASI અશ્વિન તબિયાડના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે. સળગેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. હવે આ મામલે હત્યાનો ગુનો નોંધાયો છે અને ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, પ્રેમ પ્રકરણની અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા છે.

સળગેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવ્યો હતો

મળતી માહિતી મુજબ, અશ્વિન તબિયાડની સળગેલી અર્ટિગા કારમાંથી માનવ કંકાલ મળી આવ્યો હતો. આ મામલે મૃતકના ભાઈ સિદ્ધરાજ તબિયાડે ભિલોડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે LCB અને ભિલોડા પોલીસ સહિતની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી આલ્ફાબેન અશોકકુમાર કલાસવા સહિત ચાર વ્યક્તિઓની સંડોવણી સામે આવી હોવાનું જણાવાયું છે. આરોપીઓએ કાવતરું રચીને અશ્વિનભાઈને ઘરે બોલાવ્યા બાદ તેમની હત્યા કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

મૃતદેહ સાથે કાર સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો

આરોપીઓએ હત્યા કર્યા બાદ મૃતદેહને ઈકો કારમાં લઈ જઈ કણાદર ગામની સીમના જંગલ વિસ્તારમાં અર્ટિગા કારમાં મૂક્યો હતો. ત્યારબાદ પાદરા હાથમતી નદી નજીક કારમાં જ્વલનશીલ પદાર્થ છાંટીને મૃતદેહ સાથે કાર સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મહિલા પોલીસકર્મી આલ્ફાબેન અશોકકુમાર કલાસવા, કલ્પેશ કલાસવા, પંકજ કલાસવા અને મનોજ નિનામાનો સમાવેશ થાય છે. આરોપી મહિલા પોલીસકર્મી બંને હાથમાં દાઝેલી હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મહિલા પોલીસકર્મી અને મૃતક ASI એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Chhota Udaipur: છોટાઉદેપુરમાં નસવાડીથી કવાંટનો રસ્તો બિસ્માર, ખાડાઓથી વાહનચાલકો પરેશાન