Jamnagar ACB Trap: જામનગરમાં ACBનો સફળ ટ્રેપ, અમદાવાદના ઓડિટ અધિકારી રૂપિયા 8 લાખની લાંચ લેતા ઝડપાયા

Jamnagar ACB Trap: અમદાવાદના ઓડિટ ભવન, નવરંગપુરા ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (AAO) વિનસકુમાર અમરચંદ સાવરીયા રૂપિયા 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.
Kunjan Shukal
Kunjan Shukal
અમદાવાદના ઓડિટ અધિકારી લાંચ લેતા ઝડપાયાઅમદાવાદના ઓડિટ અધિકારી લાંચ લેતા ઝડપાયા

અમદાવાદના ઓડિટ અધિકારી લાંચ લેતા ઝડપાયા

Jamnagar ACB Trap: જામનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના ઓડિટ ભવન, નવરંગપુરા ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (AAO) વિનસકુમાર અમરચંદ સાવરીયા રૂપિયા 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ACBએ લાંચની સંપૂર્ણ રકમ રૂપિયા 8 લાખ રિકવર કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાગૃત નાગરિક દ્વારા ACB સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી

ACBની વિગતો અનુસાર, આરોપી વિનસકુમાર સાવરીયા, ઉંમર 44 વર્ષ, ક્લાસ-બી આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ફરિયાદી એક જાગૃત નાગરિક દ્વારા ACB સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીના કાર્યાલયના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ 2024-25માં ભરેલા ઈન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરીનું નિરાકરણ થઈ ગયું હતું. આ ક્લોઝ થયેલા એસેસમેન્ટને ઓડિટ માટે ફરીથી રિઓપન ન કરવા બદલ આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા 8 લાખની લાંચની માગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

લાંચની સંપૂર્ણ રકમ પણ સ્થળ પરથી જ રિકવર કરવામાં આવી

ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે 22 નવેમ્બર, 2026ના રોજ જામનગર-રાજકોટ હાઈવે પર ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, ત્રિમંદિર જવાના સાઈનબોર્ડ પાસે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે વાતચીત કરી રૂપિયા 8 લાખની લાંચની માગણી કરી હતી અને રકમ સ્વીકારી હતી. તે જ સમયે ACBની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો. લાંચની સંપૂર્ણ રકમ પણ સ્થળ પરથી જ રિકવર કરવામાં આવી હતી. આ ટ્રેપનું સંચાલન પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલ અને જામનગર ACB સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટ ACBના અધિકારી આર.કે. સોલંકી તથા તેમની ટીમે પણ કાર્યવાહીમાં મદદ કરી હતી.

આ પણ વાંચો: Navsari News: LCBને મળી મોટી સફળતા, હાઈબ્રિડ ગાંજાની કરોડોની કાર્ટેલ પકડી, 4 પેડલરની ધરપકડ