Get News Alerts

Never miss breaking news updates.

Jamnagar News : જામનગરમાં સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની હેરફેર ઝડપાઈ, 3 હજાર કિલો ઘઉં સાથે પાંચ શખ્સો ઝડપાયા

Jamnagar News : જામનગરમાં સરકારી સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની હેરફેર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 07 Oct 2026 02:52 PM IST
Jamnagar News : જામનગરમાં સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની હેરફેર ઝડપાઈ, 3 હજાર કિલો ઘઉં સાથે પાંચ શખ્સો ઝડપાયાJamnagar News : જામનગરમાં સસ્તા અનાજના શંકાસ્પદ જથ્થાની હેરફેર ઝડપાઈ, 3 હજાર કિલો ઘઉં સાથે પાંચ શખ્સો ઝડપાયા

Jamnagar Grain

Jamnagar News : સિટી બી ડિવિઝન પોલીસે વહેલી સવારે પાણાખાણથી બેડી બંદર તરફ જતા રોડ પરથી શંકાસ્પદ ઘઉંના જથ્થા સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે વાહનમાંથી કુલ 3 હજાર કિલો ઘઉંનો જથ્થો કબજે કર્યો છે.

પ્રાથમિક માહિતી મુજબ, સિટી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા વહેલી સવારે પાણાખાણથી બેડી બંદર તરફ જતા રોડ પર વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન GJ-10-AT-4747 નંબરના વાહનને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં મોટા પ્રમાણમાં ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી

વાહનમાં તપાસ દરમિયાન કુલ 3,000 કિલો ઘઉં મળી આવતા પોલીસને આ જથ્થો સરકારી સસ્તા અનાજનો હોવાની શંકા ગઈ હતી. આ અંગે પોલીસે વાહનમાં રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસ દ્વારા BNSSની કલમ 35(1)(e) હેઠળ પાંચેય શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ સમગ્ર કાર્યવાહીમાં કુલ રૂ.6,15,520નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તેમાં ઘઉંના જથ્થા ઉપરાંત વાહન સહિતનો મુદ્દામાલ સામેલ હોવાનું જણાવાયું છે. ઝડપાયેલા પાંચેય શખ્સો જામનગરના બેડી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે અંગે તપાસ શરૂ કરી છે. ખાસ કરીને ઘઉંનો જથ્થો સરકારી સસ્તા અનાજની દુકાન અથવા જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

સમગ્ર મામલે પોલીસે જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી છે

પુરવઠા વિભાગ દ્વારા ઘઉંના જથ્થાની ચકાસણી કરવામાં આવશે અને જો તે સરકારી સસ્તા અનાજનો જથ્થો હોવાનું સામે આવશે તો નિયમ મુજબ વધુ કાર્યવાહી કરવામાં આવી શકે છે. જામનગરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે સરકાર દ્વારા સસ્તા ભાવે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આવા અનાજના જથ્થાની ગેરકાયદે હેરફેર અથવા ગેરરીતિ અંગેની આશંકા ગંભીર બાબત ગણાય છે.

જોકે, હાલ ઝડપાયેલા ઘઉંનો જથ્થો ખરેખર સરકારી સસ્તા અનાજનો છે કે નહીં તે અંગે અંતિમ પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકશે. હાલ સિટી બી ડિવિઝન પોલીસ અને જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. ઘઉંનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને તેની હેરફેર પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Junagadh News : મહેસૂલ વિભાગના કર્મચારીઓની સામૂહિક હડતાળથી સરકારી કામકાજ ઠપ્પ, હડતાળમાં 360 જેટલા કર્મચારીઓ જોડાયા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે