Get News Alerts

Never miss breaking news updates.

Junagadh News : મહેસૂલ વિભાગના કર્મચારીઓની સામૂહિક હડતાળથી સરકારી કામકાજ ઠપ્પ, હડતાળમાં 360 જેટલા કર્મચારીઓ જોડાયા

Junagadh News : ગુજરાતમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માગણીઓને લઈને સામૂહિક હડતાળ શરૂ કરવામાં આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 07 Oct 2026 02:28 PM IST
Junagadh News : મહેસૂલ વિભાગના કર્મચારીઓની સામૂહિક હડતાળથી સરકારી કામકાજ ઠપ્પ, હડતાળમાં 360 જેટલા કર્મચારીઓ જોડાયાJunagadh News : મહેસૂલ વિભાગના કર્મચારીઓની સામૂહિક હડતાળથી સરકારી કામકાજ ઠપ્પ, હડતાળમાં 360 જેટલા કર્મચારીઓ જોડાયા

Junagadh Strike News

Junagadh News : રાજ્યભરમાં 10 હજારથી વધુ રેવન્યુ ક્લાર્ક, તલાટી અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે. કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરતાં અનેક જિલ્લાઓમાં મહેસૂલી કચેરીઓનું સરકારી કામકાજ ખોરવાયું છે.

જૂનાગઢ જિલ્લામાં પણ અંદાજે 360 જેટલા મહેસૂલી કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. જેના કારણે જિલ્લાભરની મહેસૂલી કચેરીઓમાં કામગીરી પર અસર પડી છે. કર્મચારીઓ દ્વારા 5 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર સુધી Mass CL એટલે કે સામૂહિક રજા પર રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અલગ-અલગ માગને લઈ ઉતર્યા હડતાળ પર

મહેસૂલ કર્મચારીઓના મહામંડળ દ્વારા કુલ 14 જેટલી માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. તેમાં રેવન્યુ તલાટીના જોબ ચાર્ટમાં રહેલી વિસંગતતા દૂર કરવાની મુખ્ય માંગણીનો સમાવેશ થાય છે. કર્મચારીઓનું કહેવું છે કે અન્ય વિભાગની કેટલીક કામગીરી તલાટીના જોબ ચાર્ટમાં સામેલ કરવામાં આવી છે, જેને દૂર કરવામાં આવે. આ ઉપરાંત કર્મચારીઓ માટે પૂરતું મહેકમ ફાળવવાની પણ માગ કરવામાં આવી છે.

વર્ષ 2015માં પ્રમોશન મેળવી અન્ય જિલ્લામાં ગયેલા ક્લાર્કને તેમના મૂળ જિલ્લામાં પરત મોકલવાની માંગ પણ કરવામાં આવી છે. 2012ની સીધી ભરતીથી આવેલા નાયબ મામલતદારોને ‘ડીમ્ડ ડેટ’નો લાભ આપવાની તેમજ લાંબા સમયથી પ્રમોશન ન મળવાના પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ વર્ષ 2025ની સિનિયોરિટી લિસ્ટને અંતિમ સ્વરૂપ આપવાની માગ પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

સરકાર નિરાકરણ લાવે તેવી માગ કર્મચારીઓની

ફિક્સ પે, ગ્રેડ પે, બદલી અને સીધી ભરતી સહિતના વિવિધ પ્રશ્નોનો પણ માંગણીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કર્મચારીઓના સંગઠનનો દાવો છે કે અગાઉ સરકાર દ્વારા 30 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ સમય વીતી ગયા બાદ પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. આ કારણે કર્મચારીઓએ સામૂહિક રજા પર જવાનો નિર્ણય લીધો હોવાનું મહામંડળ દ્વારા જણાવાયું છે.

સાથે જ ચીમકી આપવામાં આવી છે કે જો 7 ઓક્ટોબર સુધીમાં માંગણીઓ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો ત્યારબાદ અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવશે. જો અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ થાય તો મહેસૂલ વિભાગ સાથે જોડાયેલી વિવિધ સરકારી સેવાઓ પર વધુ અસર થવાની શક્યતા છે. હાલ કર્મચારીઓ અને સરકાર વચ્ચેના સંવાદ તથા આગામી નિર્ણય પર સૌની નજર છે.

આ પણ વાંચો : Congress Virji Thummar Passes Away : અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે