Gir Somnath: ઉનામાં કોળી સમાજના સ્નેહ મિલનમાં પરષોત્તમ સોલંકીનો આગવો અંદાજ, રાજકીય કટાક્ષ સાથે નેતાઓને કરી ટકોર

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ઉના અને ગીર સોમનાથ જિલ્લા કોળી સેના દ્વારા કોળી સમાજના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
Kunjan Shukal
Kunjan Shukal
Gir Somnath Una parshottam solankiGir Somnath Una parshottam solanki

Gir Somnath Una parshottam solanki

Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે ઉના અને ગીર સોમનાથ જિલ્લા કોળી સેના દ્વારા કોળી સમાજના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી પરષોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય હીરા સોલંકી સહિત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રી પરષોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરા સોલંકીના નિવેદનો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

View post on Instagram

સમાજને રાજકીય રીતે પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી

સ્નેહ મિલન સમારોહને સંબોધતા મંત્રી પરષોત્તમ સોલંકીએ કોળી સમાજની એકતા અને રાજકીય ભાગીદારી અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં કોળી સમાજની અંદાજે 50 ટકા વસ્તી હોવા છતાં સમાજને રાજકીય રીતે પૂરતું પ્રતિનિધિત્વ મળતું નથી. તેમણે સમાજના લોકોને ચૂંટણી દરમિયાન ઉમેદવારોની કામગીરી અને સમાજ પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને મતદાન કરવા અપીલ કરી હતી.

સત્તાનો ક્યારેય દુરુપયોગ કર્યો નથી

મંત્રી સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં રહેતા હતા અને ત્યાં તેમણે સંઘર્ષ કર્યો છે. સમાજ માટે અનેક કાર્યો કર્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે સત્તાનો ક્યારેય દુરુપયોગ કર્યો નથી અને સમાજ માટે કામ કરવું તેમની પ્રાથમિકતા રહી છે. તેમણે સમાજના નામે માત્ર પોતાના સ્વાર્થ માટે કામ કરતા નેતાઓને મત ન આપવા પણ ટકોર કરી હતી.

આ ઉપરાંત તેમણે કોળી સમાજના લોકોને સિંહના સંતાનની ઉપમા આપતાં કહ્યું હતું કે, "આપણે સિંહના સંતાન છીએ, કોઈના બોલવાથી ફરક પડતો નથી." સિંહ પોતાની મસ્તીમાં રહે છે અને પાછળ કોણ શું બોલે છે તેની પરવા કરતો નથી, તેવો સંદેશ પણ તેમણે આપ્યો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્ય હીરા સોલંકીએ પણ સમાજને સંબોધન કર્યું હતું અને રાજકીય મુદ્દાઓ પર કટાક્ષ કર્યા હતા. સમગ્ર સ્નેહ મિલન દરમિયાન સમાજની એકતા, રાજકીય જાગૃતિ અને નેતાઓની જવાબદારી જેવા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. મંત્રી પરષોત્તમ સોલંકીના નિવેદનોને પગલે સમારોહ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

આ પણ વાંચો: Navsari Leopard Rescue: નવસારીના પૂણી ગામે સાડા પાંચ વર્ષનો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ