ઉનામાં દારૂ કેસમાં પંચ બનવાની અદાવતે હુમલો, 17 દિવસ બાદ યુવકનું મોત

Una Liquor Case Attack: ગીર સોમનાથના ઉના શહેરના ખારા વિસ્તારમાં દારૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવત રાખીને 24 વર્ષીય યુવક પર લોખંડના પાઇપ અને છરીથી જીવલેણ હુમલો કર્યાની ઘટના
Rupin Bakraniya
Rupin Bakraniya
Una Liquor Case AttackUna Liquor Case Attack

Una Liquor Case Attack

Una Liquor Case Attack: ગીર સોમનાથના ઉના શહેરના ખારા વિસ્તારમાં દારૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવત રાખીને 24 વર્ષીય યુવક પર લોખંડના પાઇપ અને છરીથી જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે ઘાયલ યુવકનું 17 દિવસની સારવાર બાદ ભાવનગરની હોસ્પિટલમાં મોત થતાં અગાઉ નોંધાયેલ હત્યાની કોશિશનો ગુનો હવે હત્યામાં પલટાયો છે.

દારૂ કેસમાં પંચ બન્યો, અદાવતમાં જીવલેણ હુમલો

પોલીસ ફરિયાદ મુજબ, તા. 5 ઓગસ્ટની સાંજે ખારા વિસ્તારમાં જેન્તીભાઈના ગોડાઉન પાસે બેઠેલા મુકેશભાઈ જીતુભાઈ વાઘેલા પર મનીષ પ્રદીપભાઈ રાવળ, પારસ પ્રદીપભાઈ રાવળ અને રોહિત ઉર્ફે બાડો રાજુભાઈ ગુજરીયા સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. મૃતકના પરિવારના આક્ષેપ મુજબ, થોડા દિવસ અગાઉ નોંધાયેલા દારૂના કેસમાં મુકેશ પંચ તરીકે હાજર રહ્યો હતો. આ બાબતનો ખાર રાખીને તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

પાઇપ-છરીથી માથા પર હુમલો, ગંભીર ઈજાઓ

હુમલાખોરોએ લોખંડના પાઇપ અને છરી વડે મુકેશના માથા, આંખ, પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા બાદ બુલેટ મોટરસાયકલ મુકેશના પગ પર ચડાવી દેવાનો પણ આરોપ છે. ગંભીર રીતે ઘાયલ મુકેશને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માથામાં ગંભીર ઈજા અને ફ્રેક્ચર થતાં તેની સર્જરી પણ કરવામાં આવી હતી.

17 દિવસની સારવાર બાદ મોત

હોસ્પિટલમાં 17 દિવસ સુધી સારવાર ચાલી હતી. જોકે, સારવાર દરમિયાન મુકેશનું મોત નીપજ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ, અંતિમ ક્ષણો પહેલાં મુકેશ એક વખત ભાનમાં આવ્યો હતો અને તેણે આરોપીઓના નામ બોલ્યા હોવાનું પરિવારનું કહેવું છે. પરિવારના જણાવ્યા મુજબ, મુકેશે અંતિમ શબ્દોમાં “મારો શું વાંક હતો?” તેમ જણાવ્યું હતું. પરિવાર હવે સમગ્ર મામલે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી અને આજીવન કેદની માગ કરી રહ્યો છે.

હત્યાની કોશિશનો ગુનો હત્યામાં પલટાયો

મૃતકની માતા જમનાબેન જીતુભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદમાં દારૂના કેસમાં મુકેશ પંચ તરીકે હાજર રહ્યો હોવાની બાબતનો ઉલ્લેખ કર્યો છે. યુવકના મોત બાદ પોલીસે અગાઉ નોંધાયેલા હત્યાની કોશિશના ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં એક આરોપી સગીર વયનો પણ હોવાનું સામે આવ્યું છે.

ખારા વિસ્તારમાં દારૂના વેચાણ સામે કાર્યવાહી કરવાની માગ

ઘટના બાદ ખારા વિસ્તારમાં દારૂના વેચાણને લઈને પણ સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં દારૂનું વેચાણ બેફામ રીતે થઈ રહ્યું છે. બૂટલેગરોના કેટલાક મકાનો પેશકદમીમાં હોવાના આક્ષેપ વચ્ચે જિલ્લા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ ઉઠી છે. પોલીસ હાલ સમગ્ર મામલે આરોપીઓની ભૂમિકા, હુમલા પાછળનું કારણ અને દારૂના કેસ સાથેના કનેક્શન અંગે વધુ તપાસ કરી રહી છે.