Get News Alerts

Never miss breaking news updates.

Pakistan jail fisherman: પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા ઉનાના માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો

Pakistan jail fisherman: પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલ કરશનભાઈ ભાલીયાનો મૃતદેહ મોડી રાત્રે વતન પહોંચ્યો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 19 Sep 2026 05:01 PM IST
Pakistan jail fisherman: પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા ઉનાના માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યોPakistan jail fisherman: પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા ઉનાના માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો

Pakistan jail fisherman

Pakistan jail fisherman: પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલ કરશનભાઈ ભાલીયાનો મૃતદેહ મોડી રાત્રે વતન પહોંચ્યો હતો. મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનોમાં આક્રંદ ફાટી નીકળ્યો હતો અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, બીજલભાઈનો પુત્ર અશ્વિનભાઈ પણ પાકિસ્તાનની જેલમાં બંધ હોવાથી પિતાની અંતિમયાત્રામાં હાજર રહી શક્યો નહોતો.

મોડી રાત્રે 1:30 વાગ્યે વતન પહોંચ્યો મૃતદેહ

પાકિસ્તાનની કરાચી સ્થિત હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજલભાઈનું 25 ઓગસ્ટના રોજ અવસાન થયું હોવાની માહિતી પરિવારજનોને મળી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ ભારત લાવવામાં આવ્યો હતો. અમૃતસર બોર્ડર પર ફિશરીઝ વિભાગના અધિકારીઓએ મૃતદેહ સ્વીકાર્યો હતો. ત્યારબાદ દિલ્હીથી વિમાન મારફતે અમદાવાદ અને અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને કોબ ગામે લાવવામાં આવ્યો હતો.

મૃતદેહ ઘરે પહોંચતા ગામમાં શોક

મોડી રાત્રે આશરે 1:30 વાગ્યે મૃતદેહ ઘરે પહોંચ્યો હતો. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચ સહિતના આગેવાનો અને સગાસંબંધીઓ હાજર રહ્યા હતા. પરિવારજનોના રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું.

શરૂઆતમાં મૃત્યુની સત્તાવાર પુષ્ટિ નહોતી

પરિવારજનોના જણાવ્યા મુજબ, શરૂઆતમાં બીજલભાઈના મૃત્યુ અંગે ભારતીય તંત્ર તરફથી સત્તાવાર પુષ્ટિ મળી નહોતી. ત્યારબાદ મૃતદેહ ભારતને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોરબી ફિશરીઝ વિભાગના અધિકારી મહેશભાઈ દાફડા અને આસિસ્ટન્ટ કે.એચ. ચારણ અમૃતસર બોર્ડર પર મૃતદેહ સ્વીકારવા પહોંચ્યા હતા.

પિતા બાદ પુત્ર પણ પાકિસ્તાનની જેલમાં

બીજલભાઈના ચાર પુત્રો ચેતનભાઈ, અશ્વિનભાઈ, માનસિંગભાઈ અને ભાવેશભાઈ માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. તેમનો પુત્ર અશ્વિનભાઈ પણ પાકિસ્તાનની જેલમાં હોવાનું જણાવાયું છે. પરિવારના જણાવ્યા મુજબ, અગાઉ અશ્વિનભાઈ સાથે સંપર્કમાં આવેલી માહિતી ઉપરાંત પિતાની બીમારી અને અવસાન અંગેનો પત્ર તથા વોઇસ ક્લિપ પણ પરિવાર સુધી પહોંચી હતી.

પિતાની અંતિમયાત્રામાં પુત્ર રહી ગયો દૂર

પરિવારજનોના જણાવ્યા મુજબ, બીજલભાઈને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની તકલીફ હતી. પિતાના અવસાન બાદ પણ અશ્વિનભાઈ પાકિસ્તાનની જેલમાં હોવાથી અંતિમયાત્રામાં હાજર રહી શક્યો નહીં. પિતાની અર્થીને કાંધ આપવાની અંતિમ ફરજ પણ પુત્ર નિભાવી શક્યો નહીં. લાંબી રાહ બાદ મૃતદેહ વતન પહોંચતા પરિવારજનોએ અંતિમ વિદાયની પ્રક્રિયા હાથ ધરી હતી.

આ પણ વાંચો : Gujarat 108 ambulance: આદિજાતિ વિસ્તારોમાં હવે 10 મિનિટમાં પહોંચશે 108 એમ્બ્યુલન્સ, 89 નવી એમ્બ્યુલન્સ ઉમેરાશે

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.