Get News Alerts

Never miss breaking news updates.

Bhavnagar : કોબાડિયા–કરજાળા સ્કૂલ બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓમાં રોષ, દીપડાના ભય વચ્ચે પગપાળા જવાની ફરજ

Bhavnagar : જેસર તાલુકાના કરજાળા ગામથી કોબાડિયા ગામ સુધી ચાલતી સ્કૂલ બસ સેવા બંધ થતાં ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
Kunjan ShuklaUpdated on: 19 Sep 2026 06:01 PM IST
Bhavnagar : કોબાડિયા–કરજાળા સ્કૂલ બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓમાં રોષ, દીપડાના ભય વચ્ચે પગપાળા જવાની ફરજBhavnagar : કોબાડિયા–કરજાળા સ્કૂલ બસ સેવા બંધ થતાં વિદ્યાર્થીઓમાં રોષ, દીપડાના ભય વચ્ચે પગપાળા જવાની ફરજ

Bhavnagar

Bhavnagar : જેસર તાલુકાના કરજાળા ગામથી કોબાડિયા ગામ સુધી ચાલતી સ્કૂલ બસ સેવા બંધ થતાં ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. બસ સેવા બંધ થવાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓને પગપાળા અથવા અન્ય વિકલ્પો દ્વારા શાળાએ જવાની ફરજ પડી રહી છે.

વાલીઓમાં પણ ભયનો માહોલ

કરજાળા અને કોબાડિયા ગામ વચ્ચેનો માર્ગ ફોરેસ્ટ વિસ્તારની નજીકથી પસાર થતો હોવાથી આ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતી હોવાની સ્થાનિકોમાં ચિંતા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને રોજ આ માર્ગ પરથી અવરજવર કરવી પડે તો તેમની સુરક્ષાને લઈને વાલીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સ્કૂલ બસ સેવા વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવાનું સરળ અને સુરક્ષિત માધ્યમ હતું. જોકે, બસ સેવા બંધ થતાં હવે વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ખાસ કરીને ફોરેસ્ટ વિસ્તાર નજીકના માર્ગ પર પગપાળા અવરજવર કરતી વખતે વન્યપ્રાણીનો ભય રહેતો હોવાથી વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા બસ સેવા તાત્કાલિક ફરી શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર તંત્રના નિર્ણય પર

તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેથી કરજાળા–કોબાડિયા રૂટ પર નિયમિત સ્કૂલ બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાએ પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆતને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા છે. બસ સેવા ફરી શરૂ થાય તો વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડતી મુશ્કેલી દૂર થઈ શકે છે અને વન્યપ્રાણીના ભય વચ્ચે થતી તેમની અવરજવર પણ સુરક્ષિત બની શકે છે. હાલ વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર તંત્રના નિર્ણય પર છે.

આ પણ વાંચો : Bhavnagar : 3 દિવસના વિરામ બાદ તળાજા પંથકમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.