Somnath News : દિવાળીના પાવન પર્વે સોમનાથમાં શ્રદ્ધાનો મહાસાગર, મહાદેવના દર્શને ઉમટ્યું માનવમહેરામણ


Somnath News ગીર સોમનાથમાં ભકતોનું ઘોડાપુર
Somnath News : દિવાળીના પાવન પર્વે સોમનાથમાં શ્રદ્ધાનો મહાસાગર, મહાદેવના દર્શને ઉમટ્યું માનવમહેરામણ


Somnath News ગીર સોમનાથમાં ભકતોનું ઘોડાપુર
Somnath News : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર સોમનાથ-પ્રભાસ પાટણ વિસ્તારમાં ભક્તિ, આસ્થા અને પ્રવાસનનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
દિવાળીના વેકેશનને કારણે સોમનાથમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. પરિણામે શહેરનાં વિવિધ વાહન પાર્કિંગ સ્થળો વાહનોથી છલોછલ ભરાઈ ગયાં હતાં. વધતી ભીડને ધ્યાનમાં રાખીને બાયપાસ નજીક આવેલા સદભાવના મેદાનમાં વધારાની પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જોકે, ત્યાં પણ મોટી સંખ્યામાં વાહનો આવી પહોંચતાં મેદાન વાહનોથી ચિક્કાર ભરાઈ ગયું હતું.
ભકતોએ દિવાળીના પાવનપર્વે દર્શન કર્યા
બીજી તરફ ગુડલક સર્કલથી હમીરજી સર્કલ સુધી સોમનાથ તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. પ્રવાસીઓ અને દર્શનાર્થીઓના ધસારાને કારણે વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી હતી. સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. શ્રદ્ધાળુઓએ મહાદેવના દિવ્ય દર્શન કરી પૂજન-અર્ચનનો લાભ લીધો હતો. અનેક ભાવિકોએ ઓનલાઇન પૂજનની સુવિધાનો પણ ઉપયોગ કર્યો હતો.
મંદિર પરિસર ઉપરાંત સોમનાથનાં અન્ય પવિત્ર તીર્થસ્થળો, દરિયાકિનારો અને આકર્ષક સમુદ્ર વોક-વે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બન્યાં હતાં. દિવાળીના પર્વને વધુ યાદગાર બનાવવા માટે મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું. રાત્રિના સમયે મંદિરની ઝગમગતી રોશની અને મનમોહક રંગોળીનાં દર્શન કરવા પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા.
હોટલ અને ગેસ્ટ હાઉસ પણ ફુલ છે
આ સુંદર નજારાએ શ્રદ્ધાળુઓને દિવાળીના પર્વની વિશેષ અનુભૂતિ કરાવી હતી. પ્રવાસીઓના વધતા ધસારાની અસર હોટલ અને ગેસ્ટ હાઉસના વ્યવસાય પર પણ જોવા મળી હતી. સોમનાથ અને આસપાસનાં વિસ્તારોમાં આવેલી રહેવાની સુવિધાઓમાં ભારે ભીડ જોવા મળી હતી. અનેક સ્થળોએ રૂમ ભરાઈ જતાં પ્રવાસન ક્ષેત્રે દિવાળીની રોનક છવાઈ હતી. સોમનાથ ટ્રસ્ટનાં અન્નક્ષેત્રોમાં પણ ભાવિકોની મોટી સંખ્યામાં અવરજવર રહી હતી. ભક્તોની સુરક્ષા અને સુવ્યવસ્થિત દર્શન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મંદિર પરિસર, આસપાસના વિસ્તારો અને બાયપાસ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વાહન ચકાસણી, સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આમ, દિવાળીના પવિત્ર પર્વે સોમનાથમાં ભક્તિ અને પ્રવાસનનો અદભુત સંગમ જોવા મળ્યો હતો. મહાદેવના દર્શને ઉમટેલા શ્રદ્ધાળુઓથી સમગ્ર પ્રભાસ પાટણ શિવમય બની ગયું હતું.




